સુપ્રીમ કોર્ટનાં જજે વ્યક્ત કરેલી ચિંતા : પોલીસને નિષ્પક્ષતાની સલાહ
નવીદિલ્હી,તા.પ:
કોકરોચ જનતા પાર્ટીનાં વિરોધ પ્રદર્શન દરમિયાન જંતર-મંતર ખાતે એકત્ર છાત્રો અને યુવાનો
સામે પોલીસનાં બળપ્રયોગ સામે સુપ્રીમ કોર્ટનાં જજે દુ:ખ અને ખેદ પ્રગટ કર્યો છે. જસ્ટિસ
ઉજ્જલ ભુઈયાએ કહ્યું હતું કે, પોલીસનો લાઠીચાર્જ પરેશાન કરનારી ઘટના હતી. તેમણે કહ્યું
હતું કે, જો છાત્રો પોતાનાં ભિન્ન વિચારો ધરાવતાં હોય તો તેમની સામે દંડાત્મક વલણ અપનાવવું
ન જોઈએ.પૂર્વ સચિવ(સુરક્ષા) યશોવર્ધન આઝાદ દ્વારા લિખિત પુસ્તકનાં વિમોચન સમારંભમાં
તેમણે કહ્યું હતું કે, પ્રદર્શન કરતાં લોકો ઉપર આ પ્રકારનો અત્યાચાર કરવો નિરાશાજનક
છે. પોલીસ અધિકારીઓ પાસેથી જે નિષ્પક્ષતાની આશા રાખવામાં આવે છે તે સંપૂર્ણપણે ગાયબ
નજરે પડે તો ગંભીર ચિંતાનો વિષય બની જાય છે. તેમણે આગળ જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે
સંજ્ઞાન લીધું છે કે, જે પીડિતોનાં માનવીય અધિકારોનું ઉલ્લંઘન થયું છે તેમને આનું વળતર
ચૂકવવું જોઈએ. પોલીસે વધુ કોઈ બળપ્રયોગ કર્યા વિના કાયદો-વ્યવસ્થા જાળવવી જોઈએ. તેમણે
આગળ કહ્યું હતું કે, એક વર્દીધારી પોલીસવાળાની ઓળખ સરકાર પાસેથી પ્રાપ્ત શક્તિ અને
અધિકારોનાં રૂપમાં થાય છે. જો કોઈને પરેશાન થાય તો તે પોલીસ પાસેથી મદદ માગતા હોય છે.
આવા સંજોગોમાં બહુ આવશ્યક છે કે, પોલીસ પોતાની વિશ્વનીયતા જાળવી રાખે.