• બુધવાર, 23 સપ્ટેમ્બર, 2026

NHAIની નવી માર્ગદર્શિકા : હાઇ-સ્પીડ હાઇવે માટે નિયમો એકસરખા રહેશે

હવે, ગુજરાત સહિતના તમામ રાજ્યોના આગામી તમામ 4 અને 6 લેનના નવા કે વિસ્તારિત હાઇવેમાં પ્રવેશ નિયંત્રણ અને બહાર નીકળવાની વ્યવસ્થાનું માળખું એકસરખું રહેશે

15,000 વાહનો સુધીના દૈનિક ટ્રાફિકવાળા કોરિડોર માટે 4 લેનનો હાઇવે તથા 4 લેનના સ્ટ્રક્ચર સાથે કુલ 60 મીટરની પહોળાઇ રાખવામાં આવશે

હૃષિકેશ વ્યાસ

અમદાવાદ,તા.22:   ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (એનએચએઆઈ)એ ગુજરાત સહિતના તમામ રાજ્યો માટે એક્સપ્રેસ-વે સિવાયના નિયંત્રિત પ્રવેશ અને બહાર નીકળવાની વ્યવસ્થા સાથેના ઍક્સેસ - કંટ્રોલ્ડ હાઇ-સ્પીડ નેશનલ હાઇવે માટે નવી વ્યાપક માર્ગદર્શિકા જાહેર કરી છે. ‘િવકસિત ભારત-2047’ના લાંબા ગાળાના લક્ષ્યાંક હેઠળ દેશભરમાં 50,000 કિમીના એક્સેસ કન્ટ્રોલ્ડ હાઇ-સ્પીડ કોરિડોર વિકસાવવાની દિશામાં આ માર્ગદર્શિકા મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહી છે.

અત્યાર સુધી એક્સપ્રેસ-વે સિવાયના હાઇ-સ્પીડ એક્સેસ કન્ટ્રોલ્ડ નેશનલ હાઇવે માટે આયોજન અને ડિઝાઇનના અલગ અને એકસમાન ધોરણો ઉપલબ્ધ ન હોવાથી વિવિધ પ્રોજેક્ટના ડીપીઆરમાં ડિઝાઇન અને ટેકનિકલ માપદંડોમાં તફાવત જોવા મળતો હતો પરિણામ સ્વરૂપ હવે એનએચએઆઈએ ગુજરાત સહિત તમામ રાજ્યો માટે આગામી તમામ ચાર અને છ લેનના નવા હાઇવે તથા હાલના હાઇવેનું અપગ્રેડેશન-વિસ્તરણ હાઇ-સ્પીડ નિયંત્રિત પ્રવેશ અને બહાર નીકળવાની વ્યવસ્થા નેશનલ હાઇવે માટે એકસરખું માળખું નક્કી કર્યું છે.

ગુજરાત બંદરો, ઔદ્યોગિક વિસ્તારો, એરપોર્ટ, મોટા શહેરો અને રાષ્ટ્રીય ધોરીમાર્ગોના વિશાળ નેટવર્ક ધરાવતું રાજ્ય હોવાથી એક્સેસ કન્ટ્રોલ્ડ હાઇ-સ્પીડ કોરિડોરની નવી ડિઝાઇન પદ્ધતિ રાજ્યના ભાવિ માર્ગ માળખા માટે પણ મહત્વપૂર્ણ બની શકે છે. ખાસ કરીને બંદરો, ઔદ્યોગિક ક્લસ્ટરો, લોજિસ્ટિક્સ હબ અને મોટા શહેરોને જોડતા કોરિડોરમાં ટ્રાફિકનું પ્રમાણ સતત વધતું રહે ત્યારે ટ્રાફિકના આધારે લેન ક્ષમતા, નિયંત્રિત પ્રવેશ અને યોગ્ય ઇન્ટરચેન્જની ડિઝાઇન લાંબા ગાળે મહત્વપૂર્ણ રહેશે.

આ નવી માર્ગદર્શિકાનો મુખ્ય હેતુ ઝડપી ગતિના ટ્રાફિક માટે સુરક્ષિત માળખું ઊભું કરવું, અનધિકૃત પ્રવેશ અટકાવવો, ટ્રાફિકની અવરજવર અવિરત રાખવી અને માર્ગ અકસ્માતોના જોખમને ઘટાડવો છે. હાઇવેની લેન અને તેની પહોળાઇ અંગે પણ સ્પષ્ટ માપદંડ નક્કી કર્યા છે એટલે હવે દરેક હાઇ-સ્પીડ કોરિડોરની રચના ટ્રાફિકની વાસ્તવિક જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે. 15,000 વાહનો સુધીના દૈનિક ટ્રાફિકવાળા કોરિડોર માટે ચાર લેનનો હાઇવે તથા ચાર લેનના સ્ટ્રક્ચર સાથે કુલ 60 મીટરની પહોળાઇ રાખવામાં આવશે.

        15,000થી 25,000 વાહનો સુધીના ટ્રાફિકવાળા કોરિડોરમાં ચાર લેનનો હાઇવે અને છ લેનના સ્ટ્રક્ચર સાથે 70 મીટરની પહોળાઇ નક્કી કરવામાં આવી છે. જ્યારે 25,000થી 40,000 વાહનો સુધીના ટ્રાફિકવાળા કોરિડોર માટે છ લેનનો હાઇવે તથા છ લેનના સ્ટ્રક્ચર સાથે 70 મીટરની પહોળાઈ નક્કી કરવામા આવી છે.

 એક્સેસ કન્ટ્રોલ્ડ એટલે  શું ?

એનો અર્થ છે કે હાઇવે પર ગમે ત્યાંથી વાહન પ્રવેશી કે બહાર નીકળી શકશે નહીં. પ્રવેશ અને બહાર નીકળવા માટે નક્કી કરાયેલા એન્ટ્રી-એક્ઝીટ પોઈન્ટ અને ઈન્ટરચેન્જ જ હશે. નાના રસ્તાઓ, ખેતરના રસ્તા કે અન્ય અનધિકૃત માર્ગોથી સીધો પ્રવેશ અટકાવવામાં આવશે.

 એક મીટરની બાઉન્ડરી વોલથી ગેરકાયદે પ્રવેશ પર બ્રેક

હાઇ-સ્પીડ હાઇવે પર  અનધિકૃત પ્રવેશ, અતિક્રમણ અને રખડતાં પશુઓ પણ ગંભીર જોખમ ઊભું કરી શકે છે. તેને ધ્યાનમાં રાખીને નવી માર્ગદર્શિકામાં કોરિડોરની બહારની ધાર પર એક મીટર ઊંચી બાઉન્ડરી વોલ બનાવવાની જોગવાઇ કરવામાં આવી છે. આ દિવાલનો હેતુ માત્ર જમીનનું રક્ષણ કરવાનો નથી. તે અનધિકૃત પ્રવેશ, અતિક્રમણ અને રખડતાં ઢોરને હાઇ-સ્પીડ કોરિડોરમાં પ્રવેશતા અટકાવવા માટે સુરક્ષા કવચ તરીકે કામ કરશે.

એન્ટ્રી-એક્ઝીટ પહેલાં જ વાહનચાલકને ચેતવણી મળશે

હાઇ-સ્પીડ ટ્રાફિકમાં અચાનક એન્ટ્રી કે એક્ઝીટ આવી જાય તો અકસ્માતનું જોખમ વધી શકે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને નવી માર્ગદર્શિકામાં એન્ટ્રી અને એક્ઝીટ અંગે અગાઉથી સૂચના આપવાની વિશેષ જોગવાઇ કરવામાં આવી છે અર્થાત્ વાહનચાલકને આગળના પ્રવેશ કે બહાર નીકળવાના પોઇન્ટ અંગે પૂરતી આગોતરી માહિતી મળે, જેથી તે સમયસર પોતાની લેન અને ગતિને અનુરૂપ નિર્ણય લઈ શકે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

National

44 વર્ષનાં તળીયે પહોંચ્યો અમેરિકાનો ઓઈલ ભંડાર September 23, Wed, 2026