• મંગળવાર, 22 સપ્ટેમ્બર, 2026

સરકારના નિર્ણયની રાહ જોતા 4 હજાર કર્મચારીઓએ શરૂ કરી બેમુદતી હડતાળ

લેન્ડ રેકર્ડના કર્મીઓની ગ્રેડ-પે વધારાની માગણી ન સંતોષાતા લડત ઉગ્ર; જમીન માપણી સહિતની કામગીરી ઠપ, અરજદારો પરેશાન

(ફૂલછાબ ન્યુઝ)

રાજકોટ, તા.21 : ગુજરાતના લેન્ડ રેકર્ડ વર્ગ-3ના આશરે 4 હજાર કર્મચારીઓએ ગ્રેડ-પેમાં વધારો કરવાની મુખ્ય માગ સાથે આજથી બેમુદતી હડતાળ શરૂ કરી છે. કર્મચારીઓની હડતાળને પગલે જમીન માપણી, રી-સર્વે, સિટી સર્વે, સ્વામિત્વ, ટિપ્પણ તથા નકશાની નકલ સહિતની કામગીરી પર સીધી અસર પડી છે.

લેન્ડ રેકર્ડ વર્ગ-3 મહામંડળ દ્વારા ગ્રેડ-પેમાં સુધારા સહિતના પ્રશ્નોના નિરાકરણ માટે સરકાર સમક્ષ અગાઉ અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી. કર્મચારીઓના જણાવ્યા મુજબ, વર્ષ 2025માં સિનિયર સર્વેયર અને સર્વેયર કેડરના ગ્રેડ-પેમાં વધારો કરવા માટે મુખ્યમંત્રી સ્તરે સૈદ્ધાંતિક મંજૂરી મળી હતી. જોકે એક વર્ષથી વધુ સમય વીતી ગયા બાદ પણ અમલ ન થતાં કર્મચારીઓમાં અસંતોષ જોવા મળ્યો હતો. આ મુદ્દે કર્મચારીઓએ 11 ઓગસ્ટે સરકારને 30 દિવસમાં નિર્ણય લેવા અલ્ટીમેટમ આપ્યું હતું. તેમ છતાં કોઈ હકારાત્મક નિર્ણય ન આવતા આંદોલનનો માર્ગ અપનાવવામાં આવ્યો છે.

રાજકોટ જિલ્લામાં 100થી વધુ કર્મચારીઓ સહિત રાજ્યભરના કર્મચારીઓ અગાઉ 11થી 18 સપ્ટેમ્બર દરમિયાન પેન-ડાઉન હડતાળ પર રહ્યા હતા. 19 સપ્ટેમ્બરે માસ સીએલ બાદ હવે આજથી અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરવામાં આવી છે. હડતાળના કારણે જમીન સંબંધિત વિવિધ અરજીઓનું કામ અટકી જતા હજારો અરજદારોને હાલાકી ભોગવવી પડી રહી છે.

જૂનાગઢ લેન્ડ રેકોર્ડ કચેરીના 47 કર્મચારીઓ પોતાની પડતર માગણીઓ મુદે આજથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરતા કચેરીમાં કામકાજ ઠપ થઈ ગયું છે.  અરજદારોની જમીન માપણી, પ્રોપર્ટી કાર્ડ જેવી કામગીરી બંધ થતા રોષ ઉઠયો છે.

જામનગર શહેર-િજલ્લાની તમામ કચેરીમાં જમીન માપણી, પ્રોપર્ટી કાર્ડ,રી-સર્વે સહીતની મહત્વની કામગીરી બંધ થતાં પારાવાર હાલાકીથી અરજદારોમાં ભારે રોષ ફેલાયો છે. અરજદારોને કચેરીઓએ ધકકા થયા હતાં. તમામ કર્મચારીઓ લાલબંગલા પટાંગણમાં આવેલી કચેરી પાસે એકઠા થયા હતા અને ધરણાં પર બેસી વિરોધ વ્યકત કર્યો હતો.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક