સૌરાષ્ટ્ર-કચ્છ સહિત અનેક જિલ્લાઓને મેઘરાજા ધમરોળશે : 22થી 24 સપ્ટેમ્બર દરમિયાન વીજળીના કડાકા સાથે વરસાદની શક્યતા; માછીમારોને દરિયો ન ખેડવા સલાહ
(ફૂલછાબ ન્યુઝ)
રાજકોટ, અમદાવાદ, તા.21: ગુજરાતમાં
એક તરફ ચોમાસાની વિદાયના એંધાણ વર્તાઈ રહ્યા છે, તો બીજી તરફ નવી સિસ્ટમ સક્રિય થવાને
કારણે વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી સાત દિવસ
સુધી રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી માહોલ યથાવત રહી શકે છે. ખાસ
કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ પંથકમાં હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું
છે.
ચોમાસાને લઇ હવામાન વિભાગ દ્વારા
આગામી સપ્તાહ માટે વરસાદ અંગે મહત્ત્વની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં 27 સપ્ટેમ્બર
સુધીમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા
મુજબ, સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં 22થી 24 સપ્ટેમ્બર દરમિયાન સારો એવો વરસાદ વરસી
શકે છે. આ સમયગાળા દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં વીજળીના કડાકા સાથે થન્ડરસ્ટોર્મની
ચેતવણી આપવામાં આવી છે. આ ઉપરાંત, અમદાવાદ શહેરમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા
સેવાઈ રહી છે.
ગુજરાતમાં 22થી 27 સપ્ટેમ્બર
દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં
22થી 24 સપ્ટેમ્બર સુધી વીજળીના કડાકા અને
થન્ડરસ્ટોર્મ સાથે વરસાદ પડવાની ચેતવણી છે. અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા
છે. રાજ્યમાં અત્યાર સુધી 633.6 મિમી વરસાદ નોંધાયો છે, જે સામાન્ય કરતાં 7 ટકા ઓછો
છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ તીવ્ર
રહેવાની શક્યતા હોવાથી માછીમારો માટે ખાસ ચેતવણી જારી કરવામાં આવી છે. દરિયાકાંઠે પવનની
ઝડપ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાક અને ક્યારેક 50 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે
છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે.