• સોમવાર, 12 ઑક્ટોબર, 2026

બિનજરૂરી હસ્તક્ષેપ ન કરવો ઃ દિલ્હી આંદોલન મુદ્દે યુનોને ભારતનો જવાબ

જિનેવાના ભારતીય મિશને કહ્યું, અન્ય જગ્યાઓએ થઈ રહેલા આંદોલન ઉપર પણ ધ્યાન આપો

નવી દિલ્હી, તા. 11 ઃ સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર આયોગ દ્વારા દિલ્હીમાં ચાલી રહેલા આંદોલન ઉપર ચિંતા વ્યક્ત કરી હતી. હવે જિનેવામાં રહેલા ભારતીય મિશન દ્વારા ચિંતા ઉપર જવાબ આપવામાં આવ્યો છે. સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે, માનવાધિકાર આયોગની ચિંતા પુરી રીતે પાયાવિહોણી છે. ભારતના આંતરિક મામલામાં કોઈપણ મતલબ વિના દરમિયાનગિરી છે. વધુમાં ભારતીય મિશને સંયુક્ત રાષ્ટ્રને અરીસો બતાવતા કહ્યું હતું કે કોઈપણ ભેદભાવ વિના પોતાની જવાબદારીને ધ્યાને રાખીને માનવાધિકાર આયોગે બીજી જગ્યાએ થઈ રહેલા પ્રદર્શનો ઉપર ધ્યાન આપવું જોઈએ.

જિનેવામાં ભારતીય મિશને યુએન માનવાધિકાર આયોગ તરફથી જાહેર નિવેદનનો જવાબ આપતા કહ્યું હતું કે યુનોની ચિંતા નકામી છે. ભારત દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર છે, જ્યાં સંવિધાનમાં  શાંતિપૂર્ણ રીતે એકત્રિત થવાના અધિકારની ગેરન્ટી આપવામાં આવી છે. મજબૂત સંસ્થાઓ, સ્વતંત્ર ન્યાયપાલિકા અને આઝાદ મીડિયા તેની રક્ષા કરે છે. દરેક લોકતંત્રની જેમ ભારતીય નાગરિક પણ સાર્વજનિક વ્યવસ્થા જાળવી રાખવા માટે જરૂરી પ્રતિબંધોના દાયરામાં રહીને પોતાના અધિકારનો ઉપયોગ કરી શકે છે.

પોતાની વાત આગળ વધારતા મિશન તરફથી કહેવામાં આવ્યું હતું કે અધિકારી પુરા સંયમ સાથે સાર્વજનિક વ્યવસ્થા જાળવી રાખવાનું કામ કરે છે. બાકી કોઈપણ ફરિયાદના સમાધાન માટે અદાલત છે. આ ઉપરાંત ભાર મુકીને કહેવામાં આવ્યું હતું કે, આયોગની ચિંતા નકામી છે. આયોગે બીજી જગ્યાએ થઈ રહેલા વિરોધ પ્રદર્શનો ઉપર પણ યોગ્ય રીતે ધ્યાન આપવું જોઈએ.

 

ઇ-પેપરના નવા શુલ્ક