મુખ્ય માર્ગો અને ગરબા ગ્રાઉન્ડ બહાર ‘લવ જિહાદથી સાવધાન’ના સંદેશવાળા પોસ્ટરો લાગ્યાં
આયોજનોમાં સરપ્રાઇઝ ચાકિંગની હિંદુ જાગરણ મંચની ચેતવણી
રાજકોટ,તા.11 ઃ નવરાત્રિના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજકોટમાં ગરબા આયોજનોને લઈને વિવિધ હિંદુ સંગઠનો સક્રિય બન્યાં છે. નવરાત્રિ દરમિયાન યુવતીઓની સુરક્ષા અને જાગૃતિના મુદ્દાને આગળ ધરી શહેરના અનેક વિસ્તારોમાં ‘લવ જિહાદથી સાવધાન’ના સંદેશવાળા પોસ્ટરો લગાવવામાં આવ્યાં છે. આ અભિયાન દ્વારા ગરબા મહોત્સવ દરમિયાન સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી રહી છે.
શહેરના રેસકોર્સ રિંગ રોડ, નવા 150 ફૂટ રિંગ રોડ, કાલાવડ રોડ, વિરાણી ચોક અને સામાકાંઠા સહિતના વિસ્તારોમાં આ પોસ્ટરો જોવા મળી રહ્યાં છે. વિવિધ ગરબા ગ્રાઉન્ડની બહાર પણ બેનરો લગાવી લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. નવરાત્રિ દરમિયાન ગરબા સ્થળોએ મહિલા કાર્યકરો હાજર રહીને વ્યવસ્થાઓ પર નજર રાખશે તેમ સંગઠન તરફથી જણાવાયું છે.
હિંદુ જાગરણ મંચના મંગેશ દેસાઈએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ પ્રકારનાં પોસ્ટરો માત્ર રાજકોટ પૂરતાં મર્યાદિત નથી, પરંતુ દેશભરમાં જનજાગૃતિના ભાગરૂપે લગાવવામાં આવી રહ્યાં છે. તેમના જણાવ્યા અનુસાર, કેટલાક ગરબા આયોજકોએ સંગઠન સાથે ચર્ચા કર્યા બાદ નિયમોમાં ફેરફાર કર્યા છે. જ્યાં સૂચવાયેલા ફેરફારો કરવામાં આવ્યા નથી ત્યાં પ્રશાસનને સાથે રાખીને સરપ્રાઇઝ ચાકિંગ હાથ ધરવામાં આવશે. યુવતીઓને ભોળવીને સંબંધ સ્થાપિત કરવાનો પ્રયાસ થતો હોવાની શંકા ઊભી થશે તો પોલીસને જાણ કરીને કાયદેસરની કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે. જોકે, આવા કોઈપણ આરોપની તપાસ પુરાવા અને કાયદાકીય પ્રક્રિયાના આધારે થવી જરૂરી છે