• સોમવાર, 12 ઑક્ટોબર, 2026

આંદોલન સામે સુરક્ષાની કિલ્લેબંધી ઉપર કાનૂની વાડાબંધી

દિલ્હીમાં સુરક્ષા સકંજા સામે સુપ્રીમના મહત્ત્વના નિર્દેશ ઃ મનફાવે તેમ ધરપકડ નહીં, મેટ્રો, રેલવે અને ઇન્ટરનેટ ચાલુ રહેવા જોઈએ

બેરિકેડિંગની આવશ્યકતાની સમીક્ષા કરવી પડશે ઃ અધિકારીઓને અવમાનનાની કાર્યવાહીની નોટિસ ઃ કાલે ફરી સુનાવણી

નવીદિલ્હી, તા.11 ઃ ચૂંટણી પંચમાં કથિત મનસ્વી નિર્ણયો, મતદાર યાદીનાં વિશિષ્ટ ગહન સુધારણા(સર) અભિયાન અને મુખ્ય ચૂંટણી કમિશનર(સીઇસી) જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ કોકરોચ જનતા પાર્ટી(સીજેપી)નાં આંદોલનને અટકાવવા માટે રાજધાની દિલ્હીમાં લાદવામાં આવેલાં નિયંત્રણો મુદ્દે સુપ્રીમ કોર્ટમાં આજે વિશેષ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં સર્વોચ્ચ અદાલત તરફથી કહેવામાં આવ્યું હતું કે, સમગ્ર શહેરમાંથી બેરિકેડ હટવા જોઈએ અને અત્યંત આવશ્યક હોય ત્યારે જ તે લગાડવા જોઈએ. આ ઉપરાંત કોર્ટે મેટ્રો ટ્રેન અને ઇન્ટરનેટનાં સામાન્ય સંચાલન માટે પણ કહ્યું હતું કે, તે બંધ થવા ન જોઈએ. આ પહેલા 9મી ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટ તરફથી આપવામાં આવેલા મેટ્રો સહિત જાહેર પરિવહન યથાવત્ ચાલુ રાખવાના આદેશનાં ઉલ્લંઘન સબબ સંબંધિત અધિકારીઓને કારણદર્શક નોટિસ પણ જારી કરી હતી અને તેમને સવાલ કરવામાં આવ્યો હતો કે, તેમની સામે અદાલતના અનાદરની કાર્યવાહી શા માટે શરૂ કરવામાં ન આવે ? હવે આ મામલે મંગળવારે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

આજે સુનાવણી દરમિયાન અદાલતમાં પણ ભારે હંગામો સર્જાયો હતો. વકીલો અને પોલીસ અધિકારીઓ વચ્ચે              બોલાચાલી થઈ ગઈ હતી. કેટલાક વકીલોએ પોલીસકર્મીઓ માટે બેસવાની જગ્યા સામે વાંધો ઉઠાવ્યો હતો. વકીલોએ પ્રદર્શન દરમિયાન અનેકની અટકાયત અને વકીલો સાથે મારપીટનો આરોપ લગાવ્યો હતો. જેને પગલે અદાલત તરફથી સ્પષ્ટ કરી દેવામાં આવ્યું હતું કે, કાયદાકીય રીતે કાર્યવાહીથી ઈતર કોઈને પણ હિરાસતમાં લઈ શકાતા નથી. આ ઉપરાંત મેટ્રો અને રેલ સેવા સામાન્ય રાખવા, ઇન્ટરનેટ બંધ નહીં કરવા અને બેરિકેડિંગની સમીક્ષા કરવાનો નિર્દેશ પણ કોર્ટે આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટે પ્રશાસન અને અધિકારીઓને આદેશ આપ્યો હતો કે, દિલ્હીમાં લોકોની અવરજવર નિર્બાંધ સુનિશ્ચિત થવી જોઈએ. કાયદો-વ્યવસ્થા અને પરિવહનની સ્થિતિને ધ્યાને રાખીને બેરિકેડની સમીક્ષા કરવામાં આવે અને ઇન્ટરનેટ સેવાઓ પૂર્વવત્ કરી નાખવામાં આવે. મેટ્રો અને રેલ સેવા સાર્વજનિક વ્યવસ્થા હેઠળ જરૂરી પ્રતિબંધોને આધીન સામાન્ય રીતે ચાલવી જોઈએ.

આ ઉપરાંત હજારોની સંખ્યામાં અટકાયતી પગલાઓ સામે કોર્ટે જરૂરી નિર્દેશ આપતાં કહ્યું હતું કે, કોઈપણ વ્યક્તિને સ્થાપિત પ્રક્રિયા વગર અટકાયતમાં લેવા ન જોઈએ. અદાલતે વિશેષરૂપે એ ક્ષેત્રોની બહાર શાંતિપૂર્ણ અને નિઃશત્ર એકત્ર થતાં લોકોના સંદર્ભમાં આ આદેશ આપ્યો હતો જ્યાં નિષેધાત્મક આદેશ લાગુ છે.

ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચી અને ન્યાયમૂર્તિ વી.મોહનાની પીઠે નિર્દેશ આપ્યો હતો કે, સુપ્રીમ કોર્ટ આસપાનાં ક્ષેત્રમાં કલમ 163 લાગુ કરવા સંબંધિત સૂચનાનાં બોર્ડને જો હટાવી દેવામાં ન આવ્યા હોય તો તત્કાળ હટાવવામાં આવે.

આ નિર્દેશનો મુખ્ય ઉદ્દેશ એ સુનિશ્ચિત કરવાનો હતો કે, ન્યાય સુધી પહોંચ, અદાલતમાં પ્રવેશ અને કામગીરીમાં કોઈપણ પ્રકારનો અવરોધ ન રહે.

આ પહેલા તા.9મીએ કોર્ટે નિર્દેશ આપેલો કે સુરક્ષાનાં નામે મેટ્રો અને રેલ સેવા સદંતર બંધ થવી જોઈએ નહીં. તેમ છતાં રવિવારે દિલ્હી આવતી ટ્રેનો અને મેટ્રો ટ્રેન સ્ટેશનો બંધ કરી નાખવામાં આવેલા. સર્વોચ્ચ અદાલતના આ આદેશનું પાલન નહીં કરવાં સબબ ગૃહ મંત્રાલયના સંબંધિત અધિકારીઓને અદાલતની અવમાનનાની કાર્યવાહી માટે નોટિસો પણ ફટકારવામાં આવી હતી. આ અધિકારીઓએ સોગંદનામા દાખલ કરવા પડશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક