• સોમવાર, 12 ઑક્ટોબર, 2026

અભિજીત, આશુતોષ અને સૌરવનો છૂટકારો પણ એક વર્ષ માટે શાંતિની શરત !

અટકાયતના બીજા દિવસે કોર્ટમાં રજૂ કરાયા ઃ 50 હજાર રૂપિયાના બોન્ડ ઉપર મુક્તિઃ અભિજીતે કહ્યું, આંદોલન ચાલુ જ રહેશે

બીજા દિવસે પણ કોકરોચ પ્રદર્શનકારીઓ ઉભરાતા રહ્યા ઃ કનૌટ પ્લેસ ઉપર ભારે ધમાલ

નવીદિલ્હી,તા.11 ઃ મુખ્ય ચૂંટણી કમિશનર(સીઇસી) જ્ઞાનેશ કુમારને હટાવવાની માગણી સાથે રાજધાની દિલ્હીમાં જંતર-મંતર ખાતે આંદોલન માટે પહોંચેલા કોકરોચ જનતા પાર્ટી(સીજેપી)ના આગેવાન અભિજીત દીપકે, આશુતોષ રાંકા અને સૌરવ દાસને શનિવારે એરપોર્ટ ઉપર વિમાનમાંથી જ ઉઠાવીને ધરપકડ કરી લેવામાં આવ્યા બાદ આજે તેમને મેજિસ્ટ્રેટની અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા અને ત્યાંથી તેમને મુક્તિની રાહત તો મળી ગઈ હતી પણ આગળનો માર્ગ કઠિન બની ગયો હતો. કોર્ટે તેમને આગામી એક વર્ષ સુધી શાંતિ રાખવાની શરતે છૂટકારો આપ્યો હતો. દરમિયાન પોતાનાં દાદીનાં નિધનનાં કારણે પોતાનાં વતન ગયેલા અભિજીત દીપકેએ પરત આવીને કહ્યું હતું કે, તેમણે કોઈ એવા બોંડ ઉપર સહી નથી કરી જેમા કહેવાયું હોય કે આંદોલન અને પ્રદર્શન કરવામાં નહીં આવે. કોકરોચ જનતા પાર્ટી ફરીથી સડકો ઉપર ઉતરવાની જ છે. બીજીબાજુ આજે સતત કોઈ નેતા વગર બીજા દિવસે સીજેપીનું આંદોલન આગળ વધતું જોવા મળ્યું હતું. જંતર-મંતર આસપાસ પ્રતિબંધાત્મક આદેશોની અમલવારી માટે લોખંડી બંદોબસ્ત હોવા છતાં છૂટાછવાયા પ્રદર્શનકારીઓ દ્વારા સુરક્ષાઘેરો તોડીને આગળ વધવાનાં પ્રયાસ થયા હતાં. બીજીબાજુ ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ્સ એસોસિએશન નેતા નેહા બોરાની આગેવાનીમાં આજે કનોટ પ્લેસ ઉપર ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી અને ત્યાંથી સુરક્ષાદળોએ સેંકડોની અટકાયત કરી હતી. અહીં જમણેરી જૂથ દ્વારા દેખાવકારો સાથે મારપીટનાં બનાવો પણ બન્યા હતાં અને આમાં બન્ને જૂથ વચ્ચે ઘર્ષણ થયું હતું.

આજે રવિવારે દિલ્હી પોલીસે ત્રણેયની ધરપકડ વિશે માહિતી આપતાં કહ્યું હતું કે, તેમને નિવારક હિરાસતમાં રાખવામાં આવ્યા હતા. તેમને દિલ્હી કેન્ટ પોલીસ સ્ટેશનમાં એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતાં. ઉલ્લેખનીય છે કે, નિવારક ધરપકડ કોઈ દંડાત્મક કાર્યવાહી નથી બલ્કે અપરાધની આશંકાએ હિરાસતમાં લેવાની કાર્યવાહી છે. એટલે કે, અભિજીત દીપકે કે પછી તેના સાથીદારો વિરુદ્ધ કોઈ એફઆઇઆર દાખલ કરવામાં નથી આવી. ઉલ્લેખનીય છે કે, શનિવારે સીજેપીના ત્રણેય નેતાઓ ઉપરાંત દિલ્હીમાં દેખાવ માટે સડકો ઉપર ઉતરેલા સાતેક હજાર લોકોને પણ અટકાયતમાં લેવામાં આવ્યા હતા. આ લોકોને રાત સુધીમાં છોડી દેવામાં આવ્યા હતા પણ અભિજીત, સૌરવ અને આશુતોષને છોડવામાં નહોતા આવ્યા. આજે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને ત્યાંથી 50 હજાર રૂપિયાના બોન્ડ અને એક વર્ષ માટે શાંતિની શરતે છૂટકારો મળ્યો હતો.

દરમિયાન દિલ્હી પોલીસે દીપકેને દાદીનાં નિધન પછી જવા દેવાયા ન હોવાનાં આક્ષેપોનો જવાબ આપતાં વિડીયો જારી કર્યો હતો અને સ્પષ્ટ કર્યુ હતું કે, દીપકેને તેમનાં દાદીનાં સમાચાર પૂરી સંવેદના સાથે આપવામાં આવ્યા હતાં અને તેમને ત્યાં જવું હોય તો સહાયતાની વ્યવસ્થા માટે પણ તૈયારી દેખાડવામાં આવી હતી. જો કે દીપકેએ પોતાનાં માતા-િપતા સાથે વાત કરવા અને વતન જવાનું નકાર્યુ હતું.

ઇ-પેપરના નવા શુલ્ક