-સુરતમાં
મેડિકલ સ્ટોર સંચાલક ઝડપાયો : રૂ.31,195નો મુદ્દામાલ કબજે
સુરત,
તા.14: સુરતના અઠવા વિસ્તારમાં પશુની સારવાર માટે વપરાતી દવામાંથી રિફાલિંગ કરી તેના
પર માનવ સારવારની દવાના બનાવટી સ્ટીકર લગાવી વેચાણ કરતા મેડિકલ સ્ટોર સંચાલકને એસઓજી
પોલીસે ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી દરમિયાન રૂ.31,195નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો
હતો.
એસઓજીના
નાયબ પોલીસ કમિશનર રાજદીપાસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ અને પીઆઈ એ.એસ. સોનારાની સૂચનાથી
ટીમે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી અઠવા વિસ્તારમાં બડેખા ચકલા, ગોપીપુરા, મોમનાવાડ
રોડ પર આવેલા શ્રી શાંતિનાથ મેડિકલ સ્ટોરમાં દરોડો પાડ્યો હતો. અહીંથી સંચાલક મોહમ્મદ
સાજીદ ઇબ્રાહિમ મુલ્લા (ઉં.વ. 51)ને ઝડપી લેવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન હિમાલય કંપનીની
લિવ.52 ડ્રોપ્સની 60 મિલીની એક બોટલ અને લિવ.52 પ્રોટેક લિક્વિડ એનિમલ ફીડ સપ્લિમેન્ટનું
પાંચ લિટરનું એક કેન મળી આવ્યું હતું.
પોલીસના
જણાવ્યા મુજબ, આરોપી પશુઓ માટેના સપ્લિમેન્ટને નાની બોટલોમાં ભરી તેના પર બાળકોની સારવારમાં
વપરાતી લિવ.52 ડ્રોપ્સના બનાવટી સ્ટીકર લગાવી ગ્રાહકોને વેચતો હતો. આ મામલે અઠવા પોલીસ
મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.