-નવા
કપાસની આવકમાં વધારો ન દેખાતા તેજી, પાક નબળો આવવાના એંધાણ
રાજકોટ,તા.14
: (ફૂલછાબ ન્યૂઝ) નવા કપાસની મોસમ શરૂ થયાને મહિનો પૂરો નથી થયો ત્યાં ચાલુ વર્ષના
ટોપ ભાવ રચાઇ ગયા છે ! જેતપુર યાર્ડમાં રૂ. 2100નો ભાવમાં કપાસનો સોદો પડયો હતો. એ
ઉપરાંત માણાવદરમાં રૂ. 2102માં કપાસ વેચાયો હતો.
કપાસનું
ઉત્પાદન નબળું રહેશે તેવા અંદાજો વચ્ચે કપાસની વેચવાલી ગયા વર્ષ કરતા ખાસ્સી કપાઇ જતા
છૂટથી આવક થતી નથી. તેના પરિણામે કપાસના ભાવ સુધરતા જાય છે. છેલ્લાં પંદરેક દિવસમાં
કપાસનો ભાવ રૂ. 300 જેટલો (ક્વોલિટી પ્રમાણે) ઉંચકાઇ ગયો છે. અલબત્ત કપાસની આવક ગયા
સપ્તાહની તુલનાએ 20-22 હજાર મણ વધી છે. છતાં ગયા વર્ષ જેટલી આવક નથી એટલે બજાર ઉંચી
છે.
કપાસના
એક જિનર કહે છે કે, કપાસના પાકના અંદાજો આવવાનું શરુ થયું છે. જે ગયા વર્ષ કરતા વધારે
નીચાં દેખાય રહ્યા છે. કપાસમાં બગાડ અને સૂકારાને લીધે પણ અત્યારે કિસાનો તરફથી આવક
થતી નથી.
વળી,
તેજી દેખાવા લાગતા જ્યાં કપાસ છે ત્યાં કિસાનો માલ રોકી રાખી રહ્યા છે.
તેજીને
લીધે ખેડૂતોનો ઉત્સાહ વધી ગયો છે. ગુજરાતમાં આશરે 55-65 લાખ ગાંસડી વચ્ચે અને દેશમાં
250થી 290 લાખ ગાંસડી વચ્ચે ઉત્પાદન અંદાજ આવી રહ્યો છે. એ ઓછો દેખાતા માનસ તેજીનું
થઇ ગયં છે. અલબત્ત વધારે તેજી રહે તો સરકાર
નવા મહિનામાં લાગનારી આયાત જકાતને વધારે સમય લંબાવી શકે છે.
ગુજરાતભરમાં
કપાસની આવક બુધવારે આશરે 1.30 લાખ મણ થઇ હતી. પાછલા સપ્તાહ કરતા આવક થોડી સુધરી છે.જોકે
એની સાથે ભાવ પણ ખાસ્સા વધી ચૂક્યાં છે. માર્કેટ યાર્ડમાં કપાસનો સરેરાશ ભાવ રૂ.
1600-1980 વચ્ચે બોલાય છે. બેસ્ટ ક્વોલિટી રૂ. 2 હજાર કે તેનાથી ઉપર વેચાય છે. કપાસ
પાછલા વર્ષે આ સમયે રૂ. 1250-1550માં મળતો હતો. તેજી છતાં વેચવાલી નથી આવતી તેનો અર્થ
પાકમાં ગરબડ હોવી જોઇએ તેમ સૌ માની રહ્યા છે.
નવી
આવક છતાં સંકર ગાંસડીના ભાવમાં છેલ્લાં દસેક દિવસમાં રૂ. 3500ના ઉછાળા સાથે રૂ.
68000-68200ના ભાવ થઇ ગયા છે. ગયા વર્ષે આ સમયે ગાંસડીનો ભાવ રૂ. 53000-53300નો ભાવ
હતો. આમ અગાઉના વર્ષથી આશરે રૂ. 14900 ઉંચા બોલાય છે.