રાજકોટ,તા.13 : (ફૂલછાબ ન્યૂઝ) ઓછાં-નબળા પાકની કોઇ અસર ન હોય તેમ મગફળીની આવકો રોકેટ ગતિએ વધી રહી છે. ઉત્તર ગુજરાતની સાથે હવે સૌરાષ્ટ્રમાં પણ ભારેખમ વેચવાલી આવતા ગુજરાતભરમાં મગફળીની આવક સાડા ત્રણ લાખ ગુણી કરતા વધારે થઇ ગઇ હતી. બ્રોકરોએ કહ્યું કે, પાછલા વર્ષની તુલનાએ અત્યારે મણે રૂ. 250-300નો ભાવવધારો મળે છે એટલે કિસાનો વેંચી રહ્યા છે.
મગફળીની આવક મંગળવારે સાડા ત્રણ
લાખ ગુણી કરતા વધારે થઇ એ ચાલુ વર્ષની ટોચની આવક હતી. જોકે પાછલા બે ત્રણ દિવસથી આવક
અઢી લાખ ગુણી થતી હતી. એમાં એકાએક વધારો થઇ ગયો હતો. ખેડૂતોને મગફળીનો ભાવ સરેરાશ રૂ.
1300-1750 વચ્ચે મળે છે. જ્યારે 66 નંબરની વેરાઇટીમાં રૂ. 2000-2300 સુધીનો ભાવ પ્રાપ્ત
થતો હોવાથી ધડાધડ વેચવાલી આવે છે.
ડિસામાં મંગળવારે સૌથી વધારે
73 હજાર ગુણીની આવક થઇ હતી. એ ઉપરાંત પાથાવાડા
40, પાલનપુર 34, ઇડર 14, મોડાસા 12, હિંમતનગર 28 હજાર ગુણી આવી હતી. સૌરાષ્ટ્રમાં તળાજા
સાડા ચાર હજાર ગુણી, મહુવા 11, ગોંડલ 32, રાજકોટ 9, સાવરકુંડલા 22 અને હળવદમાં 23 હજાર
ગુણીની જોરદાર આવક હતી.
બ્રોકરો કહે છે, વેચવાલી ઉંચા
ભાવને લીધે છે છતાં બજાર રોજ વધી રહી છે. કારણકે પાછલા ત્રણ ચાર દિવસમાં આશરે રૂ.
100નો ઉછાળો આવી ગયો છે. આવકના પ્રવાહ છતાં બજાર મચક આપતી નથી. જોકે રાજસ્થાન અને ઉત્તરપ્રદેશ-મધ્યપ્રદેશની
મગફળી આવશે એટલે તેજી રોકાશે તેમ જાણકારો કહે છે. હાલ પુષ્કળ આવકમાં ખેડૂતોનો ઘણો માલ
નીકળી ગયો છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં આવક અત્યારે ચરમસીમાએ છે.
મગફળીનું ઉત્પાદન ચાલુ વર્ષે
ગુજરાતમાં 28-30 લાખ ટન આસપાસ થવાનો અંદાજ છે. જે ગયા વર્ષ કરતા ઓછો છે. વરસાદની અનિયમિતતાએ
ઉતારાને અસર પાડી છે. ગરમીને લીધે પણ વ્યાપક અસર થઇ છે. ગયા વર્ષે ઉભા પાક પર માવઠાં
થવાને લીધે ક્વોલિટી બગડી હતી એ પછી તેજી થઇ હતી. આ વર્ષે સીઝનનો આરંભ જ તેજી સાથે
થયો છે.
દરમિયાન મગફળીને લીધે સીંગતેલના
ભાવ પણ ઉંચકાયા છે. સીંગતેલનો ડબો રૂ. 3005ની સપાટીએ પહોંચી ગયો છે. નવું તેલ ઉંચા
ભાવની મગફળીને લીધે મોંઘું પડી રહ્યું હોવાથી સીંગતેલના ભાવ તાત્કાલિક ખાસ ઘટે તેવી
શક્યતા નથી. પરપ્રાંતીય મગફળીની આવક વધે ત્યારે બજાર થોડી ઘટશે એમ જાણકારો માને છે.