-એકતાનગરમાં પ્રવાસીઓ
માટે વધુ એક નજરાણું
અમારા પ્રતિનિધિ તરફથી,
અમદાવાદ,
તા.27 ઃ‘સ્ટેચ્યુ અૉફ યુનિટી’ની ભવ્યતા નિહાળ્યા બાદ હવે,
એકતાનગરના પ્રવાસન આકર્ષણોમાં વધુ એક ઉમેરાના
ભાગરૂપે અહીં 2.62 કિલોમીટર લાંબી અનોખી
ફોરેસ્ટ ઇકો-ટ્રેઇલ વિકસાવવામાં આવી છે. ટ્રેઈલ ઓફ યુનાઈટેડ ઈન્ડિયા નામની આ ઇકો-ટ્રેઇલમાં પ્રકૃતિ,
વન્યજીવન, મહિલા સશક્તિકરણ, યુવા, ભારતીય વારસો અને આધ્યાત્મિકતાની ઝલક જોવા મળશે.
આગામી 31મી, અૉક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર
મોદી આ પ્રવાસન આકર્ષણ પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકશે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ
અૉફ યુનિટીના ઉદ્ઘાટનથી અત્યાર સુધીમાં ત્રણ કરોડથી વધુ પ્રવાસીઓ આ સ્થળની મુલાકાત
લઈ ચૂક્યા છે. પ્રવાસીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને સ્ટેચ્યુ અૉફ યુનિટી એરિયા
ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ ગવર્નન્સ અૉથોરિટી દ્વારા એકતાનગરમાં પ્રવાસન સુવિધાઓ અને નવાં
આકર્ષણોનો સતત વિકાસ કરી રહી છે.
જેના ભાગરૂપે અૉથોરિટીએ
લીમડી ગામ ઇકો-ટ્રેઇલ વિકસાવી છે. જે પ્રવાસીઓને પ્રકૃતિની વચ્ચે ફરવાની સાથે ભારતની
સાંસ્કૃતિક વિવિધતા અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ પણ આપશે.