• બુધવાર, 28 ઑક્ટોબર, 2026

દવાઓના ભાવમાં ઉઘાડી લૂંટનું કોઈ વાજબી કારણ છે ?ઃ સુપ્રીમ

કેન્દ્ર સરકારનો ઉધડો લીધો ઃ લોકોનાં જીવન સાથે જોડાયેલા મુદ્દાને વેપારનો વિષય ન સમજો

નવીદિલ્હી, તા.27 ઃ કેન્સરની દવાઓની બેફામ મોંઘી કિંમતોને નિયંત્રિત કરવાના મુદ્દે કેન્દ્ર સરકાર પ્રત્યે સુપ્રીમ કોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન ભારે નારાજગી વ્યક્ત કરી હતી. અદાલતે એક ઘટનાનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, કીમોથેરાપીમાં ઉપયોગમાં લેવાતું એક ઇન્જેક્શન એક મેડિકલ ડિસ્ટ્રિબ્યુટરની કેન્સરગ્રસ્ત પત્નીને આપવાનું હતું. તેમની સારવાર એક પ્રતિષ્ઠિત ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી હતી. ડિસ્ટ્રિબ્યુટરે હોસ્પિટલના વહીવટીતંત્રને જણાવ્યું કે તેઓ પોતે દવાઓના વેપારી છે અને તેમને આ ઇન્જેક્શન માત્ર 11,000 રૂપિયામાં મળી શકે છે. જોકે, હોસ્પિટલે બહારથી લાવવામાં આવેલાં ઇન્જેક્શનનો ઉપયોગ કરવાનો ઇનકાર કર્યો અને એ જ ઇન્જેક્શન માટે 1.30 લાખ રૂપિયા વસૂલવાની વાત કરી હતી. આ અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સવાલ કર્યો કે, તમે આ લૂંટનું કોઈ વાજબી કારણ જણાવી શકો છો ? આટલો મોટો ભાવફેર શા માટે છે ? આ પૈસા ક્યાં જાય છે ? જોકે, સુપ્રીમ કોર્ટે આ કેસમાં પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે.

કોર્ટે પૂછ્યું હતું કે શું હોસ્પિટલોને દર્દીઓ સાથે આ રીતે વર્તવાનો અધિકાર છે ? ડ્રીપ લાઇન જેવી સામાન્ય વસ્તુ, જેની છૂટક વેપારી માટે કિંમત 15 રૂપિયા છે, તે 250 રૂપિયામાં વેચાઈ રહી છે. કોર્ટે સવાલ કર્યો કે જો આવી સ્થિતિ છે, તો પછી ડીપીસીઓ (ડ્રગ પ્રાઇસ કંટ્રોલ ઓર્ડર) લાગુ જ શા માટે કરવામાં આવ્યો છે ? સરકાર પોતે જ આવું થવા દઈ રહી છે, જ્યારે આ મુદ્દે સંસદની ત્રણ સમિતિઓ પણ રચાઈ ચૂકી છે. કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું કે આ સ્થિતિ પાછળનું તર્ક સમજાવો. સરકાર કહી રહી છે કે કિંમતોમાં આટલા મોટા તફાવતનો જવાબ મેડિકલ ઉદ્યોગે આપવો જોઈએ. તમે નવી શોધો અને નવીનતાની વાત કરો છો, તો અમને જણાવો કે છેલ્લાં 30 વર્ષમાં ભારતીય ફાર્મા ઉદ્યોગે કયા પાંચ નવા મોલેક્યુલ વિકસાવ્યા છે ? એવાં કોઈપણ પાંચનાં નામ જણાવો. કોર્ટે કહ્યું કે દર્દીઓ પાસે ભાવતાલ કરવાની કોઈ શક્તિ હોતી નથી.

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, 90 ટકા દવાઓ ડીપીસીઓના દાયરાની બહાર છે. કિંમતોમાં આટલો મોટો તફાવત હોવા છતાં દવા કંપનીઓ પાસેથી 8,000 કરોડ રૂપિયાની વસૂલાત હજુ બાકી છે. કોર્ટે પૂછ્યું કે આયુષ્માન ભારત અને અન્ય સરકારી યોજનાઓ હેઠળ સરકાર વળતરરૂપે ચુકવણી કરે છે, પરંતુ સરકાર પાંચ લાખ રૂપિયાથી વધુની રકમનું વળતર ચૂકવશે નહીં. આખરે આ ખર્ચનો બોજ દર્દી પર જ પડે છે.

કેન્દ્ર સરકાર તરફથી એડિશનલ સોલિસીટર જનરલ ઐશ્વર્યા ભાટીએ જણાવ્યું કે સરકાર આ વ્યવસ્થામાં સતત સુધારા અને સમાયોજન કરી રહી છે. તેના જવાબમાં કોર્ટે કહ્યું હતું કે તમારું આ સમાયોજન ખૂબ જ મનસ્વી છે. 11,000 રૂપિયાથી લઈને 1,30,000 રૂપિયા સુધીની કિંમતોમાં રહેલા તફાવતને કોઈ પણ રીતે યોગ્ય ઠેરવી શકાય નહીં. તાજેતરમાં સોગંદનામા દ્વારા કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે કેન્સરની દવાઓ પર ટ્રેડ માર્જિન હવે 30 ટકા નક્કી કરવામાં આવ્યો છે. કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે 30 ટકાની આ મર્યાદા માત્ર દવાની મહત્તમ છૂટક કિંમત (એમઆરપી) પર લાગુ પડે છે, છૂટક વેપારી માટેની કિંમત પર નહીં.

કોર્ટે સવાલ કર્યો કે શું કંપનીઓને મનમાની કરવાની છૂટ આપવી જોઈએ ? જ્યારે વાત દર્દીઓ અને તેમનાં જીવનની હોય ત્યારે શું આપણે આવી મૂડીવાદી વિચારસરણી અપનાવવી જોઈએ ? જો કે કેન્દ્ર સરકારે દલીલ કરી હતું કે ભારતમાં દવાઓની કિંમતો પહેલેથી જ વિશ્વમાં સૌથી ઓછી કિંમતોમાંની એક છે. આ એક વિરોધાભાસી સ્થિતિ છે, જેને સરકાર સમયાંતરે દૂર કરવાનો પ્રયાસ કરી રહી છે. કોર્ટે કેન્દ્ર સરકારને પૂછ્યું કે, તમે અચાનક કેન્સરની દવાઓની કિંમતો પરની મર્યાદા ઘટાડીને 30 ટકા કરવાનો નિર્ણય શા માટે લીધો ? તમે આટલાં વર્ષો સુધી મૌન કેમ રહ્યા ? અમને આકરા સવાલો પૂછવા માટે મજબૂર ન કરો. શું આ કોઈ રોકેટ સાયન્સ છે ? તમે લોકોનાં જીવન સાથે જોડાયેલા મુદ્દાઓની વાત કરી રહ્યા છો. આને માત્ર વેપારનો વિષય ન સમજો. તમે ફક્ત વેપાર અને આર્થિક નીતિઓ વિશે જ વાત કરી રહ્યા છો.

ઇ-પેપરના નવા શુલ્ક