ભારતીય નૌકાદળના યુદ્ધજહાજ સાથે સુરતનો ગૌરવપૂર્ણ સંબંધ; આત્મનિર્ભર ભારતના સંકલ્પને મળી વધુ મજબૂતી
યુદ્ધજહાજનું નામ સૌરાષ્ટ્રના
જૂનાગઢ જિલ્લામાં આવેલા માંગરોળ શહેર પરથી રાખવામાં આવ્યું
સુરત, તા. 26: ભારતીય નૌકાદળમાં
તાજેતરમાં સામેલ થયેલું એન્ટી-સબમરીન વૉરફેર શેલો વૉટર ક્રાફ્ટ આઇએનએસ માંગરોળ સુરત
માટે ગૌરવની ક્ષણ બની રહ્યું છે. આ યુદ્ધજહાજના નિર્માણમાં આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ
ઇન્ડિયાની હજીરા સ્થિત ઉત્પાદન સુવિધા દ્વારા પૂરા પાડવામાં આવેલા 100 ટકા વિશેષ સ્ટીલનો
ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સિદ્ધિ હજીરાની અદ્યતન ઉત્પાદન ક્ષમતા અને દેશની સંરક્ષણ
સજ્જતામાં સુરતના યોગદાનને ઉજાગર કરે છે.
આઇએનએસ માંગરોળને 12 અૉક્ટોબરે
મુંબઈના નેવલ ડૉકયાર્ડ ખાતે ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય
મહત્ત્વના સંરક્ષણ પ્રોજેક્ટમાં હજીરામાં ઉત્પાદિત વિશેષ સ્ટીલનો ઉપયોગ થવો એ સુરતના
ઔદ્યોગિક ક્ષેત્ર માટે નોંધપાત્ર સિદ્ધિ છે. માળખાકીય વિકાસથી લઈને સંરક્ષણ ક્ષેત્રનાં
મહત્ત્વપૂર્ણ પ્લેટફોર્મ સુધી, હજીરાનું સ્ટીલ ભારતના વિકાસ અને વ્યૂહાત્મક લક્ષ્યોને
સાકાર કરવામાં યોગદાન આપી રહ્યું છે.
દેશ આત્મનિર્ભર ભારતના વિઝનને
આગળ ધપાવી રહ્યો છે ત્યારે આઇએનએસ માંગરોળ જેવા વ્યૂહાત્મક મહત્ત્વ ધરાવતા યુદ્ધજહાજમાં
હજીરાના સ્ટીલનો ઉપયોગ રાષ્ટ્રનિર્માણ અને સંરક્ષણ ક્ષેત્રે સ્વદેશી ક્ષમતાઓના વિકાસનું
ઉદાહરણ છે. આ યુદ્ધજહાજનું નામ સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લામાં આવેલા માંગરોળ શહેર પરથી
રાખવામાં આવ્યું છે. માંગરોળ દરિયાકાંઠાનું મહત્ત્વપૂર્ણ શહેર હોવા ઉપરાંત માછીમારીના
મુખ્ય બંદર તરીકે પણ જાણીતું છે. આ રીતે યુદ્ધજહાજનો ગુજરાત સાથે વિશેષ સંબંધ જોડાયો
છે.