• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

સાયલાનાં સુદામડા ગામે ખનીજ માફિયાઓ વિરુદ્ધ અરજી કરનાર પરિવારનાં ઘર પર અંધાધૂધ ફાયરિંગ

કારમાં આવેલા 10થી 15 લોકોએ 10થી વધુ રાઉન્ડ ફાયરિંગ કરતા પરિવારમાં ભયનો માહોલ : પોલીસના ધાડેધાડા ઉતારાયા : ડી ગેંગ વિરુદ્ધ ગુનો નોંધાયો

સુરેન્દ્રનગર, તા.15 : સુરેન્દ્રનગર પંથકમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા હોય તેમ સાયલા તાલુકાનાં સુદામડા ગામે ખનીજ માફિયા વિરુદ્ધ અરજી કરનારનાં ઘર ઉપર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. કારમાં આવેલા 10થી 15 શખસોએ 10થી વધુ રાઉન્ડ ફાયરિંગ કરતા પરિવારમાં ભયનો માહોલ ફેલાયો હતો. બનાવને પગલે સુદામડા ગામે પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા હતા. આ અંગે પોલીસે ખનીજ માફિયાઓ અને ડી ગેંગ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.

જાણવા મળતી વિગત મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ચોરી બેફામ થઈ રહી છે. જેને લઈ સાયલા તાલુકામાં ગેરકાયદેસર ખનીજ ચોરીને લઈ સુદામડા ગામે રહેતા અરજદાર શોકત યાદવ અને તેની પુત્રી દ્વારા કલેક્ટર અને પોલીસને અરજી કરવામાં આવી હતી. જેથી ભૂમાફિયાઓ દ્વારા અવારનવાર પરિવારને અરજી પરત ખેંચવા ધાક ધમકી આપતા હોવાનો પરિવારજનો આક્ષેપ કર્યો હતો.દરમિયાન શનિવારની રાત્રે 10 વાગ્યાના અરસામાં ત્રણથી ચાર ગાડીઓમાં 15થી વધુ શખસો દ્વારા અરજદારના ઘર ઉપર 8થી 10 રાઉન્ડ ફાયારિંગ કરવામાં આવ્યું હતું.  જેના કારણે  સમગ્ર ગામમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

હાલ આ પરિવાર પોલીસ પ્રોટેક્શન ની માંગ કરી રહ્યું છે જો તેઓની માગ નહીં સંતોષાય તો પરિવારજનો દ્વારા આત્મ વિલોપન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. સુદામડા ગામે બનેલી અંધાધૂંઘ ફાયરિંગની ઘટનાને લઈ સુરેન્દ્રનગર જિલ્લા

પોલીસ વડા ગીરીશકુમાર પંડ્યા, લીંબડી ડીવાયએસપી, એલસીબી અને એસઓજી સહિતનો પોલીસ કાફલો દોડી ગયો હતો. સુદામડા ગામે અરજદારનાં ઘરે કોઈ ઇચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ત્યારે પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડવા માટે જિલ્લાના માર્ગો ઉપર નાકાબંધી કરી અને તપાસ હાથ ધરવામાં આવી છે.

આ અંગે પોલીસે કેહાભાઈ ગભુભાઈ ભરવાડ, જયપાલ ડોડિયા, સામત ઘુઘાભાઈ ભરવાડ, સુરેશ કરશનભાઈ રબારી, દેવેન્દ્ર ઉર્ફે ડેન્ડુ ભરતભાઈ બોરીચા અને ડી ગેંગના 10થી 15 સાગરીત સામે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક