• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

કાલથી પ્રથમ ટેસ્ટ : ભારત સામે ઇલેવન પસંદગીની દુવિધા

ચેન્નાઇની લાલ માટીની પીચ પર ત્રણ ઝડપી બોલર કે ત્રણ સ્પિનર ઉતારવા : કોચ ગંભીરની માથાપચ્ચી

ચેન્નાઇ, તા.17: પ્લેઇંગ ઇલેવનમાં ત્રણ ફાસ્ટ બોલર કે ત્રણ સ્પિનર ? આ સવાલ ટીમ ઇન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીર અને કપ્તાન રોહિત શર્મા સામે છે. અહીંના ચેપોક મેદાન પર ભારત અને બાંગલાદેશ વચ્ચેના પ્રથમ ટેસ્ટનો ગુરુવારથી પ્રારંભ થવાનો છે. એ પહેલા ટીમ ઇન્ડિયા માટે આખરી ઇલેવન પસંદ કરવા પર કેટલીક દુવિધા ઉભી થઇ છે. પ્રથમ ટેસ્ટ ચેપોક સ્ટેડિયમની લાલ માટીની પિચ પર રમાવાનો છે. આ પીચ પર બોલરોને પૂરો ઉછાળ મળશે અને બોલ કીપર સુધી એક સારી ઉંચાઇથી પહોંચશે. જો કે ચેન્નાઇની ગરમીને લીધે જેમ જેમ રમત આગળ વધશે તેમ તેમ સ્પિનરોની ભૂમિકા વધતી જશે. પીચ અને પરિસ્થિતિ અનુસાર અહીં ઝડપી બોલરોને રિવર્સ સ્વિંગ પણ મળી શકે છે.

રિપોર્ટ અનુસાર ભારત પાંચ નિયમિત બોલર સાથે ઉતરશે. જેમાં જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાઝ, રવિચંદ્રન અશ્વિન અને રવીન્દ્ર જાડેજાના નામ નિશ્ચિત સમાન છે. પાંચમા બોલર માટે કોચ ગંભીર અને કપ્તાન શર્મા પાસે ચાર વિકલ્પ છે. જેમાં બે ઝડપી બોલર આકાશ દીપ અને ડાબા હાથનો બોલર યશ દયાલ છે. સ્પિનરના રૂપમાં ચાઇનામેન બોલર કુલદીપ યાદવ છે તો અક્ષર પટેલ સ્પિન ઓલરાઉન્ડર છે. 2019ની બાંગલાદેશ સામેની ઘરેલુ શ્રેણીમાં ભારત ત્રણ ઝડપી બોલર સાથે ઉતર્યું હતું.

ભારતે છેલ્લે ચેન્નાઇમાં 2021માં ઇંગ્લેન્ડ સામે રમ્યો હતો ત્યારે ઇંગ્લેન્ડે ભારતને આંચકો આપી મેચના પાંચમા દિવસે જીત મેળવી હતી. એ મેચમાં ભારતીય સ્પિનર એસજી બોલ અને ફલેટ પીચથી ઘણા નારાજ થયા હતા. બીજા મેચમાં ભારતે વાપસી કરીને જીત મેળવી હતી. 2021ના બન્ને મેચની પીચમાં મુખ્ય અંતર લાલ માટી અને કાળી માટીનું હતું. બીજા મેચની પિચમાં લાલ અને કાળી માટીનું મિશ્રણ હતું આથી ભારતના સ્પિનરોનો દબદબો જોવા મળ્યો હતો.

ચેન્નાઇ પછી બીજો મેચ કાનપુરના ગ્રીનપાર્ક સ્ટેડિયમ પર રમાવાનો છે. એ મેચની ભારતીય ઇલેવનમાં નિશ્ચિત રૂપે ત્રણ સ્પિનર હશે કારણ કે અહીંની પિચ કાળી માટીની છે અને ગ્રીનપાર્ક પર સ્પિનરોની ઘણી મદદ મળી શકે છે. આથી કદાચ ચેન્નાઇમાં કોચ ગંભીર ત્રણ ફાસ્ટ બોલરને ઉતરવાનો દાવ ખેલી શકે છે. રિપોર્ટ અનુસાર વિકેટકીપર ઋષભ પંતની બે વર્ષ બાદ ટેસ્ટ ક્રિકેટમાં વાપસી નિશ્ચિત છે. આથી પાછલી ઇંગ્લેન્ડ સામેની ડેબ્યૂ સિરીઝમાં શાનદાર દેખાવ કરનાર વિકેટકીપર ધ્રુવ જુરેલે બહાર બેસવું પડશે. સરફરાજ અને કેએલ રાહુલની પસંદગી પણ કિંગ-ક્રોસ જેવી છે.

ઇ-પેપરના નવા શુલ્ક