• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

તહેવારોની શૃંખલામાં કાપડ બજારની રોનક હવે વધશે

નવરાત્રિ માથે છે પણ ટ્રેડિશનલવેરની માગ નહીવત છે, દિવાળીના સ્ટોક વેપારીઓ નવરાત્રિમાં ભરશે

રાજકોટ, તા. 18(ફૂલછાબ ન્યૂઝ) : ગણેશની વિદાય સાથે શ્રાદ્ધપક્ષમાં પ્રવેશ થઇ ચૂક્યો છે ત્યારે હવે આવનારા તહેવારો માટે લોકો ધીરે ધીરે સજ્જથઇ રહ્યા છે. જોકે બજારોમાં એ દિશામાં હજુ કાર્યવાહી શરૂ થઇ નથી. તહેવારોમાં કાપડનો વેપાર ધમધમતો હોય છે પણ અત્યારે રોનક નથી. નવરાત્રિને પંદર દિવસથી ઓછો સમય છે છતાં રાજકોટ જેવી સૌરાષ્ટ્રની મુખ્ય બજારમાં ચણિયાચોળી કે ટ્રેડિશનલવેરની માગ ખૂલી નથી. બીજી તરફ દિવાળી માટેના વસ્ત્રોની ખરીદી જથ્થાબંધ સ્તરે નોરતાના આરંભે ખૂલશે તેમ જથ્થાબંધ વેપારીઓએ કહ્યું હતું.

અત્યારે ઝભ્ભા, ચણિયાચોળી સહિતના ટ્રેડિશનલવેરની માગ નીકળતી હોય છે પણ હાલ પૂછપરછ નથી. શ્રાદ્ધના અંતિમ દિવસોમાં માગ ખૂલવાની ધારણા છે. ધર્મેન્દ્ર રોડના કાપડના એક વેપારી કહે છેકે, ટ્રેડિશનલ કપડાં ભાડે લેવાનો ક્રેઝ થઇ ગયો છે. છતાં લોકો એકાદ જોડી નવરાત્રિએ ખરીદતા હતા પણ માગ સાવ ઠંડી જણાય છે એટલે બજારમાં ભારે ઉદાસિનતા છે.

પરંપરાગત ગરબી માટે એકસાથે જૂથની ચણિયાચોળીની ખરીદી નીકળતી હોય છે પણ એ માગ ક્યારે ખૂલે છે તેની રાહ સૌ જૂએ છે. ડિસ્કોદાંડિયા માટે નવેય દિવસ ભાડાં પર જ લોકો લેતા થઇ ગયા છે એટલે હવે કોઇ વસાવવા તૈયાર નથી. નવ દિવસના ભાડાંના પાંચથી દસ હજારના   ભાડાં ચાલતા હોય છે. જોકે કોઇ પોતાના માટે સાધારણ ડિઝાઇનો ખરીદે તો પણ બે હજાર થઇ જાય છે.

વેપારી હિતેષ અનડકટ કહે છેકે,નવરાત્રિમાં ધર્મેન્દ્ર રોડની બજારમાં ખાસ ધંધો મળે એવી શક્યતા નથી. બજારો હવે શહેરના પરાંઓ સુધી ફેલાઇ ઘઇ છે એ કારણે પણ ઘરાકી વહેંચાઇ ગઇ છે. ભાડાંના વસ્ત્રો પણ નવી ખરીદી આડે આવે છે. નવરાત્રિની થોડી ખરીદી બે ચાર દિવસ પછી શરૂ થવાની ધારણા છે. સુરત અને અમદાવાદ જેવા પરંપરાગત બજારોમાંથી હવે ઓનલાઇનમાં પણ ટ્રેડિશનલવેર મળી રહ્યો છે.

દિવાળી માટે રેડીમેડ કપડાંની ખરીદી નવરાત્રિના દિવસો દરમિયાન થશે તેમ તેમણે ઉમેર્યું હતું. અમદાવાદ અને મુંબઇ શહેરો તૈયાર વસ્ત્રો માટેના હબ છે એટલે ઓર્ડરો મોટી સંખ્યામાં ખૂલવા જોઇએ. ઓક્ટોબર મધ્યમાં રિટેઇલ માગ પણ લાગુ પડી જવાની આશા વેપારી વર્ગ રાખી રહ્યો છે. તૈયાર વસ્ત્રોમાં ટી શર્ટ, જિન્સ અને શર્ટની ખરીદી માટે ઓર્ડરો ગણવાનું રિટેઇલરોએ શરૂ કર્યું છે.

ફેરિયાવાળાને લીધે ટ્રાફિક જામ : લોકો ખરીદી ટાળે છે

રાજકોટની ધર્મેન્દ્ર રોડ માર્કેટ, લાખાજી રાજ રોડ અને ગુંદાવાડી બજાર વસ્ત્રોની ખરીદી માટે હોટ ફેરરિટ છે. જોકે પરંપરાગત બજારોમાં પાથરણાવાળા રોડ પર ધંધો કરવા બેસી જતા હોવાથી દુકાનદારોનો ધંધો બગડી ગયો છે. આ મુદ્દે કાપડ સહિતના વેપારીઓના સંગઠનોએ અનેક વખત કોર્પોરેશનને રજૂઆત કરી છે પણ પરિણામ શૂન્ય આવ્યું છે. પાથરણાને લીધે ટ્રાફિક થાય છે અને લોકો બજારમાં આવવાનું ટાળતા પણ દેખાય છે.

--

 

ઇ-પેપરના નવા શુલ્ક