• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

હાઈટેક હુમલો પાર્ટ-2 : પેજર પછી વોકીટોકી બ્લાસ્ટ

હિઝબુલ્લાનાં આતંકીઓને નિશાન બનાવીને લેબનાનમાં એકાદ કલાકનાં ગાળામાં સંખ્યાબંધ વાયરલેસ રેડિયો ડિવાઈસમાં ધડાકા : સેંકડો ઘાયલ, 9 મૃત્યુ

નવી દિલ્હી, તા.18: હિઝબુલ્લા ઉપર સિલસિલાવાર હાઈટેક હુમલાનાં બીજા ભાગમાં હવે વાયરલેસ રેડિયો ડિવાઈસ- વોકી ટોકીમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટોથી લેબનાન ધણધણી ઉઠયું હતું. પેજર બ્લાસ્ટ કરતાં વોકી ટોકીમાં ધડાકા વધુ શક્તિશાળી હતાં અને આમાં પેજર બ્લાસ્ટ કરતાં વધુ મોટી તબાહી મચી હોવાનું પ્રાથમિક અહેવાલોમાં જાણવા મળે છે. એકાદ કલાકની અંદર લેબનાનમાં હિઝબુલ્લાનાં સેંકડો આતંકીઓ પાસેનાં વોકીટોકીમાં બ્લાસ્ટ થયા હતાં અને આમાં જાનહાનિનાં કોઈ ચોક્કસ આંકડા હજી સુધી મળ્યા નથી પણ શરૂઆતી અહેવાલોમાં 500 થી વધુ ઘાયલ અને 9 મૃત્યુની પુષ્ટી થઈ છે.

વોકીટોકી ઉપરાંત લેબનાનનાં કેટલાક સ્થાને હાજરી પૂરવાનાં બાયોમેટ્રિક મશીનમાં પણ ધડાકા થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. તો બૈરુતમાં કેટલાક સ્થાને સોલાર સિસ્ટમમાં પણ ધડાકા થયા હોવાનું જાણવા મળે છે. 

હિઝબુલ્લા ઉપર આ હુમલા પાછળ ઈઝરાયલની જાસૂસી સંસ્થા મોસાદનો હાથ હોવાનું માનવામાં આવે છે. સતત બીજા દિવસે સંચાર ઉપકરણોમાં વિસ્ફોટનાં અભૂતપૂર્વ ઘટનાક્રમથી ઈઝરાયલે હવે પોતાનાં દુશ્મનો સામે હાઈટેક જંગ છેડી દીધી હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે.

હિઝબુલ્લાએ પેજરની જેમ જ વોકીટોકી ડિવાઈસ પણ છેલ્લા પાંચેક મહિનામાં જ ખરીદ્યા હોવાનું કહેવાય છે. હિઝબુલ્લાનાં ટોચનાં આગેવાન હાશેમ સફીદદ્દીને પોતાનું સંગઠન ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યું હોવાનું કહીને ઈઝરાયલ સામે વેર વાળવાની ધમકી ઉચ્ચારી છે.

આજે જે વાયરલેસ રેડિયો ફાટયા છે તેનો ઉપયોગ હિઝબુલ્લાનાં આતંકીઓ કરતાં હતાં અને લેબનાનનાં દક્ષિણ હિસ્સા ઉપરાંત રાજધાની બૈરુતનાં દક્ષિણ ઉપનરીય વિસ્તારોમાં વોકીટોકી ફાટયા હતાં. આમાં કેટલાક ધડાકા એવા સ્થાને પણ થયા હતાં જ્યાં પેજર બ્લાસ્ટમાં મરાયેલા લોકોનાં અંતિમ સંસ્કાર ચાલી રહ્યાં હતાં. આજનાં વોકીટોકી બ્લાસ્ટમાં મોટરકારથી લઈને અન્ય વાહનોમાં પણ મોટા નુકસાન થયા છે.

હિઝબુલ્લાની ધમકી બાદ ઈઝરાયલ એલર્ટ

 લેબનાન બોર્ડરે 20 હજાર સૈનિકો તૈનાત

બેરૂત, તા. 18 : લેબેનોન અને સીરિયામાં અનેક શહેરમાં એક સાથે પેજરમાં ધડાકાને લઇને હડકંપ મચી ગયો છે. શ્રેણીબદ્ધ વિસ્ફોટમાં કમસેકમ 15 જણ માર્યા ગયા છે, તો 4000 જેટલા ઘવાયા છે. હોસ્પિટલો ઇજાગ્રસ્તોથી ભરાઇ ગઇ છે. આ ઘટનાક્રમને  લીધે મધ્યપૂર્વમાં ભારે તનાવ છે. મીડિયા અહેવાલો મુજબ મૃતકોમાં હિઝબુલ્લાહના સાંસદ અલી અમ્માર અને હસન ફદલલ્લાહના પુત્ર પણ સામેલ છે. આ બનાવ બાદ હિઝબુલ્લાએ બદલો લેવાની ચેતવણી આપી હતી. જેના પરિણામે ઈઝરાયલ સાવચેત થયું છે અને લેબનોનની સરહદે 20 હજાર જેટલા સૈનિકો તૈનાત કરી દીધા છે. આ ઉપરાંત ઈઝરાયલી પીએમ નેતન્યાહુ અને રાષ્ટ્રપતિ ઈસહાક હઝોર્ગે સુરક્ષા બ્રીફિંગ માટે મુલાકાત કરી હતી અને ઈઝરાયલી સેનાના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ હર્જી હલેવીએ પણ વરિષ્ઠ સૈન્ય કમાન્ડરો સાથે મુલાકાત કરી હતી. હિઝબુલ્લાહે આક્ષેપ કર્યો છે કે, આ હુમલા પાછળ ઇઝરાયલની ગુપ્તચર એજન્સી મોસાદનો હાથ છે. હિઝબુલ્લાહે બદલો લેવાની ધમકી આપી હતી અને બાદમાં 20 રોકેટ ઈઝરાયલ ઉપર છોડયા હતા.બીજી તરફ અમેરિકાએ જણાવ્યું છે કે, આ હુમલામાં તેનો કોઇ હાથ નથી. અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવકતા મેથ્યુ મિલરે જણાવ્યું હતું કે, અસ્થિરતા ફેલાવવા માટે ઇરાન કોઇપણ ઘટનાનો ફાયદો ઉઠાવે નહીં. લેબેનોન અને સીરિયામાં ફાટેલા પેજરોનું ઉત્પાદન હંગેરીની કંપની દ્વારા કરાયું હતું. મીડિયા અહેવાલોમાં દાવો કરાયો હતો કે, મોસાદે લગભગ 5000 પેજરમાં  લગભગ ત્રણથી પાંચ ગ્રામ વિસ્ફોટક સામગ્રી ગોઠવી હતી અને મહિનાઓથી હિઝબુલ્લાહના આતંકીઓને ખબર પડી નહોતી.

ગઇકાલે મુખ્યત્વે બેરૂતના  દાદિયા, બેક્કા, નાબાતિયા, બિન્ત જબૈલ, દક્ષિણ બેરૂત વિસ્તારોમાં લગભગ એક સાથે પેજર ફાટયા હતા. આજે લેબેનોનમાં ગભરાટનો માહોલ હતો. શાળા-કોલેજો બંધ રહ્યા હતા. ઇરાને ઇઝરાયલ પર સામૂહિક નરસંહારનો  આક્ષેપ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ઇઝરાયલે પેજર વિસ્ફોટ અંગે હજી સુધી કોઇ ટિપ્પણી કરી નથી.

પેજર બ્લાસ્ટ : હિઝબુલ્લાહના 500 આતંકીને અંધાપો

બૈરુત તા.18 : લેબનાનમાં થયેલા હાઈટેક પેજર બ્લાસ્ટમાં હિઝબુલ્લાહના પ00 આતંકીએ આંખો ગુમાવ્યાનું સામે આવ્યું છે. એક પછી એક પેજરમાં થયેલા વિસ્ફોટથી 9ના મૃત્યુ થયા છે અને 3000 જેટલાને ઈજા પહોંચી છે.

આતંકી સંગઠન હિઝબુલ્લાહે ઈઝરાયલી ગુપ્તચર એજન્સી મોસાદ સામે આંગળી ઉઠાવી યોગ્ય સમયે યોગ્ય બદલો લેવાની ધમકી આપી છે. દરમિયાન મીડિયા રિપોર્ટસમાં દાવો કરાયો છે કે તાઈવાનની જે કંપની પાસેથી પેજરની મોટાપાયે ખરીદી કરવામાં આવી હતી તેમાં  કંસાઈન્મેન્ટની ડિલીવરી પહેલા મોસાદે તેના પર હાથ અજમાવી અંદર વિસ્ફોટક પ્લાન્ટ કરાવ્યા હતા. ત્યાર બાદ હિઝબુલ્લાહના જે સદસ્યો આ પેજર લઈને ફરી રહ્યા હતા તે વિસ્ફોટની ઝપટે ચઢયા હતા. જો કે પેજર નિર્માતા તાઈવાની કંપની ગોલ્ડ અપોલોએ સ્પષ્ટતા કરી છે કેજે પેજર્સમાં વિસ્ફોટ થયા છે તેનું નિર્માણ તાઈવાનમાં નહીં બૂડાપેસ્ટની એક કંપની દ્વારા કરાયું છે. પેજર ઉપર માત્ર તેની બ્રાન્ડના નામનો ઉપયોગ કરાયો છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક