• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

ચોટીલા મામલતદાર કચેરીનો સર્કલ ઓફિસર રૂ.40 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો ગામ નમૂના નં.6માં નોંધ કરાવવા રૂ.1 લાખની લાંચની માગણી કરી’તી

સુરેન્દ્રનગર, તા.17 : સુરેન્દ્રનગરના ચોટીલા મામલતદાર કચેરીમાં એસીબીએ છટકું ગોઠવી સર્કલ ઓફિસરને રૂ.40 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડયો હતો. ગામ નમૂના નં.6માં નોંધ કરાવવા અરજદાર પાસેથી રૂ.1 લાખની લાંચ માગવામાં આવતા એસીબીની ટીમે ટ્રેપ ગોઠવી લાંચિયા અધિકારીને ઝડપી પાડયો હતો.

જાણવા મળતી વિગત મુજબ ચોટીલાનાં નવાગામ સર્વે નં.65ની જમીન વેચાણ દસ્તાવેજથી ખરીદ કરેલી હોય જે જમીનની નવાગામ ગામ નમૂના નં.6માં નોંધ કરાવવા માટે અરજદાર પાસેથી ચોટીલા મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર વર્ગ-3 જીજ્ઞેશ હરીભાઈ પાટડિયાએ રૂ.1 લાખની લાંચની માગણી કરી હતી. જેથી રકઝકના અંતે રૂ.40 હજાર આપવાનું નક્કી થયું હતું પરંતુ અરજદાર લાંચ આપવા માગતા ન હોવાથી તેમણે એસીબીમાં ટોલ ફ્રી નંબર ઉપર જાણ કરતા બોટાદ એસીબી સર્કલના પીઆઇ આર. ડી. સગરે છટકું ગોઠવી ચોટીલા મામલતદાર કચેરીમાંથી જ આરોપી સર્કલ ઓફિસર જીજ્ઞેશ પાટડિયાને રૂ.40 હજારની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડયો હતો. એસીબી દ્વારા લાંચિયા અધિકારીની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક