ભાવનગર, તા. રપ: ભાવનગર શહેરના વડવા પાદર દેવકી વિસ્તારમાં આવારા તત્ત્વોએ આતંક મચાવ્યો હતો. જેમાં નાસ્તાની લારી પર ‘હાફ ફ્રાઈ’ નહીં બનાવી આપવાની દાઝ રાખીને આવેલા 10 જેટલા શખસે હથિયારો સાથે ઘસી આવી ત્રણ ભાઈની લારીઓમાં ભારે તોડફોડ કરી હતી અને ગલ્લામાંથી રોકડ 10પ00ની લૂંટ ચલાવી હતી. પોલીસે આતંક મચાવનાર શખસને ઝડપી લીધા છે.
જાણવા મળતી વિગતો અનુસાર, શહેરના
વડવા પાદર દેવકી કોળીવાડમાં રહેતા અને ‘ખાનસાહેબ ટી સ્ટોલ’ના નામે વેપાર કરતા અમીરખાન
અયુબખાન પઠાણે ફરિયાદ નોંધાવી હતી કે, રાત્રીના લગભગ 10.30 વાગ્યાના સમયે સાહીલ ગફારભાઈ
મીરા નામના યુવકે અમીરખાનના ભાઈ જાબીરખાન પઠાણની ‘ખાન સાહેબ આમલેટ’ લારી પર આવીને
‘ફટાફટ હાફ ફ્રાઈ’ બનાવી આપવા કહ્યુ હતું. જો કે જાબીરાને દુકાન બંધ કરવાનો સમય થઈ
ગયો હોવાથી અને વસ્તુ ખાલી થઈ ગઈ હોવાનું કહી ના પાડી હતી. થોડીવારમાં રાત્રે
11:00 વાગ્યે સાહીલ ગફારભાઈ મીરા, નદીમ તરિયાણી, ફેઝાન મલેક, ઐઝાઝ ચાવડા અને ઈપુ સહિત
પાંચ શખસ પાછા આવ્યા અને જાબીરખાન સાથે ઝઘડો કર્યો હતો.
ત્યારબાદ સાહીલ ગફારભાઈ મીરા
તેના અન્ય સાગરીતો સાથે પરત આવ્યો અને તેમની સાથે સજ્જુ ઉર્ફે કુરેશી સહિત 10 જેટલા
શખસો હતા. તેઓના હાથમાં કુહાડી, છરી, લોખંડનો પાઈપ અને લાકડાનો ધોકો જેવા ઘાતક હથિયારો
હતાં. આ તમામ શખસોએ અમીરખાન અને તેના ભાઈઓ જાબીરખાન પઠાણ અને યુસુબખાન પઠાણની નાસ્તાની
ત્રણેય લારીઓ ઉંધી વાળી દીધી હતી. જેના કારણે લારીમાં રહેલો ખાણી-પીણીનો તમામ સામાન
ઢોળાઈ ગયો હતો.
ત્રણેય ભાઈઓને આશરે રૂ.10,000નું
નુકસાન થયું હતું. હુમલાખોરોએ ત્રણેય ભાઈઓની લારીના ગલ્લા તેમજ અમીરખાનની ટી સ્ટોલ
દુકાનના ગલ્લામાંથી વેપારના આશરે રૂ.10,પ00 રોકડાની લૂંટ ચલાવી હતી. પીડિત ભાઈઓ ડરના
માર્યા પોતાના ઘરે જતા રહ્યાં હતાં. ત્યારબાદ હુમલાખોરોએ તેમના ઘર પાસે આવીને ગાળો
બોલવાનું ચાલુ કર્યું હતું અને ‘આજ તો તમને મારી જ નાખવા છે’ તેવી ધમકી આપી હતી. જે
બાદ તમામ હુમલાખોરો ત્યાંથી ભાગી છૂટયા હતાં. આથી, અમીર પઠાણે તમામ વિરુદ્ધ ફરિયાદ
નોંધાવી હતી. પોલીસે આરોપીઓને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.