‘તું શું મગજમારી કરતો હતો ?’ કહી આરોપી પિતા-પુત્ર કુહાડો અને લાકડાના ધોકાથી તૂટી પડયા હતા
પોરબંદર,
તા.ર6: પોરબંદરના કુતિયાણા ગામે યુવાન ઉપર જૂના મનદુ:ખમાં પિતા પુત્રએ હુમલો કરતા પોલીસ
ફરિયાદ દાખલ થઈ છે.
કુતિયાણાના
માઝાપરામાં આવેલા સરકારી આવાસમાં રહેતા અને ટ્રક ડ્રાઈવિંગનો વ્યવસાય કરતાં વૈદે રામ
ખુંટી નામના ર8 વર્ષના યુવાને પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે તા.રપના રોજ રાજુભાઈ
રાતીયાનો ટ્રક લઈ કુતિયાણાથી મોકર ગામે મગફળીનો ચારો ભરવા જવાનું હોવાથી રાત્રે જમીને
ઘરની બહાર ખાટલા પર બેઠો હતો એ દરમિયાન તેમની સામે આવાસ બિલ્ડિંગમાં રહેતા ગીગાભાઈ
અને તેનો દીકરો અજીત ત્યાં આવી પહોંચ્યા હતા. અજીત પાસે લાકડાના હાથાવાળો કુહાડો અને
ગીગાભાઈ પાસે લાકડાનો ધોકો હતો અને બન્ને ગાળો બોલવા લાગ્યા હતા અને એવું કહ્યુ હતું
કે, તે દિવસે તું શું મગજમારી કરતો હતો ? આથી ફરિયાદીએ ગાળો બોલવાની ના પાડતા બન્ને
જણા વૈદે રામ ખૂંટી ઉપર તૂટી પડયા હતા. આથી ફરિયાદી વૈદેએ બૂમાબૂમ કરતા તેની માતા ભરમીબેન
તથા પાડોશમાં રહેતા અજય જેન્તી પરમાર ત્યાં આવી અને તે વધુ મારથી બચાવ્યો હતો. ગીગા
તથા તેના પુત્ર અજીતે જતા જતા એવી ધમકી આપી હતી કે હવે અમારી સામે મગજમારી કરીશ તો
મારી નાખીશ તેમ કહી ચાલ્યા ગયા હતા. ઘવાયેલા વૈદેને રિક્ષામાં કુતિયાણાના સરકારી દવાખાને
અને ત્યાંથી વધુ સારવાર માટે પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
આ બનાવમાં વધુ જાણવા મળ્યા મુજબ, આઠ એક દિવસ પહેલા તેના મકાનની ઉપર રહેતા મનીષભાઈ ભટ્ટીના
બકરા આરોપી ગીગાભાઈના ઘઉં ચરી ગયા હતા. જેથી ગીગાએ મનીષને ઠપકો આપ્યો હતો. આથી ફરિયાદીએ
તેઓને ઉંચા અવાજે બોલવાની ના પાડતા તેનું મનદુ:ખ રાખીને ગીગા અને તેના દીકરા અજીતે
માર માર્યો હતો. આ અંગે કુતિયાણા પોલીસ ચલાવી રહી છે.