• સોમવાર, 27 ઑક્ટોબર, 2025

કુતિયાણા નજીક બાઈક ખૂંટિયા સાથે અથડાતા ચાલકનું મૃત્યુ

પોરબંદર, તા.26: કુતિયાણા નજીક બાઈક આડે ખૂંટિયો ઉતરતા સ્લીપ થઈ જતા ચાલક યુવાનનું મૃત્યુ થયું હતું. જ્યારે અન્ય બે યુવાનોને ઈજા થતા હોસ્પિટલમાં ખસેડાયા હતા.

જેતપુરના દેરડી રોડ પર ભાદરના સામે કાંઠે રહેતા 17 વર્ષના સાહિલ મુકેશ વાઘેલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, તે તા.24ના ઘરે હતો ત્યારે તેનો મિત્ર જય ચંદ્રેશ ચંદનાની (ઉ.22) તેના ઘરે આવ્યો હતો અને એવું જણાવ્યું હતું કે તે તથા તેનો જેતપુરના સરદાર ચોક પાસે રહેતો મિત્ર કિશન મુકેશ સોનારીયા દ્વારકા દર્શન કરવા માટે જઈ રહ્યા છે તેથી તારે આવવું છે? આથી ફરિયાદી સાહીલ વાઘેલાએ પણ હા પાડી હતી અને રાત્રે 8-30 વાગ્યે બાઈક પર ત્રીપલ સવારીમાં ત્રણેય યુવાનો જેતપુરથી દ્વારકા તરફ આવતા હતા એ દરમિયાન મોટરસાયકલ જય ચંદનાની ચલાવતો હતો. કુતિયાણા નજીક રાજ શક્તિ હોટલની સામે પહોંચ્યા ત્યારે એક ખુંટીયો બાઈકની આડે ઉતરતા બાઈક તેની સાથે અથડાયા બાદ સ્લીપ થઈ ગયું હતું અને ત્રણેય યુવાનો રોડ પર ફંગોળાઈ ગયા હતા. જય ચંદનાનીને અને કિશન સોનરીયાને માથાના ભાગે ગંભીર ઈજા થવાથી બંને બેભાન થઈ ગયા હતા. દરમિયાન અન્ય વાહન ચાલકોએ ત્રણેયને 108 મારફતે હોસ્પિટલે ખસેડાયા હતા. ત્યાં જય ચંદનાનીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે કિશનને પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ફરિયાદી સાહીલ વાઘેલાને પણ ઈજા થતા સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક