ગિર સોમનાથનો દરિયો તોફાની : નવાબંદરથી 13 નોટિકલ માઈલ દૂર, આક્રમક મોજાં સામે બોટ ટકી શકી નહીં
ઉના,
તા.26: અરબી સમુદ્રમાં વાવાઝોડાની સંભવિત અસરથી સર્જાયેલા ભારે પવન અને તોફાની મોજાંએ
ગીર સોમનાથના ઉના તાલુકાના નવાબંદરની માછીમારી બોટ સુરજ સલામતીને મધદરિયે જળસમાધિ લેવડાવી
હતી. આ તોફાની દરિયાના ગર્જના અને ઉછળતા વિશાળ મોજાં વચ્ચે આઠ ખલાસીઓની જિંદગી મૃત્યુના
મુખમાં હતી. પરંતુ અન્ય બોટના નાવિકોની નિર્ભીક બહાદુરીએ તેમને ચમત્કારિક રીતે જીવનદાન
આપ્યું.
મળતી
માહિતી અનુસાર, કાનાભાઇ બાવાભાઈ સોલંકીની માલિકીની સુરજ સલામતી (નંબર જીજે14એમએમ
2010) બોટ ગત તા.24 ઓક્ટોબરે માછીમારી માટે દરિયામાં ગઈ હતી પરંતુ વાવાઝોડાની અસરથી
દરિયો અત્યંત તોફાની બન્યો હતો, જેના કારણે બોટને પરત ફરવાનો નિર્ણય લેવાયો. ગત તા.25
ઓક્ટોબરે નવાબંદરથી 13 નોટિકલ માઈલ દૂર, બોટને ભારે કરંટ અને ઊછળતા મોજાંનો સામનો કરવો
પડયો. આક્રમક મોજાં સામે બોટ ટકી શકી નહીં અને ડૂબી ગઈ.
આ ઘટના
દરમિયાન બોટમાં સવાર આઠ ખલાસીઓની જિંદગી જોખમમાં આવી ગઈ હતી. જોકે, નજીકમાં હાજર અન્ય
માછીમારી બોટોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી, જેના પરિણામે તમામ ખલાસીઓને સલામત
રીતે કિનારે લાવવામાં આવ્યા. આ ઘટનાએ માછીમાર સમુદાયમાં ચિંતા ફેલાવી છે. સ્થાનિકો
અને બોટ માલિકે ખલાસીઓના સલામત બચાવથી રાહતનો શ્વાસ લીધો હોવા છતાં, આ ઘટના દરિયાઈ
સુરક્ષા અને હવામાનની આગાહીનું મહત્ત્વ રેખાંકિત કરે છે.