• બુધવાર, 24 જૂન, 2026

જામનગરમાં સિટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત : 4 વિદ્યાર્થીને ઈજા

જામનગર, તા.23 : જામનગરમાં મહાપ્રભુજીની બેઠક પાસે મહાનગરપાલિકાની સિટી બસ અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં બસમાં મુસાફરી કરી રહેલી 4 વિદ્યાર્થિનીને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. 

પટ્ટણીવાડ વિસ્તારમાં રહેતા અને જે.એમ.સી.માં છેલ્લા ત્રણ વર્ષથી સિટી બસ ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા સમીરભાઈ ઇકબાલ કુરેશી ગઈકાલ તા.22ના સવારે મનપાની બસ લઈને ખીમલિયા તરફથી સજુબા સ્કૂલની 17 જેટલી વિદ્યાર્થીનીઓને લઈ જઈ રહ્યા હતા. બસ મહાપ્રભુજી બેઠક વિસ્તાર પાસે પહોંચી ત્યારે તેની આગળ ચાલતા ટ્રક ચાલક દિનેશ સામતભાઈ વઘોરા ટ્રકને બેદરકારીપૂર્વક ચલાવી અચાનક બ્રેક મારતાં પાછળથી આવતી સિટી બસ ટ્રકના પાછળના ભાગ સાથે અથડાઈ ગઈ હતી. અકસ્માતનાં કારણે બસના આગળ તથા પાછળના કાચ તૂટી ગયા હતા તેમજ બસના આગળના ભાગે નુકસાન થયું હતું. ફરિયાદમાં અંદાજે રૂ.70,000 જેટલી નુકસાની થયાનું જણાવાયું છે. ઉપરાંત બસમાં બેઠેલી 4 વિદ્યાર્થિનીઓને સામાન્ય ઈજાઓ થઈ હતી. બનાવ અંગે બસ ડ્રાઇવર સમીરભાઈ કુરેશીની ફરિયાદના આધારે પોલીસે ટ્રક ચાલક દિનેશ વઘોરા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક