• મંગળવાર, 23 જૂન, 2026

લતીફ ગેંગનો ફરાર શાર્પ શૂટર

સાત વર્ષે રાજસ્થાનમાંથી ઝડપાયોક્ષ 2019માં મળેલા હંગામી પેરોલ જમ્પ કરીને જુદા જુદા રાજ્યોમાં નાસતો ફરતો હતો

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.22: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક મહત્વના ઓપરેશનમાં વિતેલા જમાનાના ગેંગસ્ટર અબ્દુલ લતીફ ગેંગના શાર્પ શૂટરની સાત વર્ષ બાદ ધરપકડ કરી છે. પોલીસે રાજસ્થાનમાંથી મોહમ્મદ તસ્લિમ ઉર્ફે મોહમ્મદ ઉમર શેખની ધરપકડ કરી છે. આરોપી અગાઉ બહુચર્ચીત રાધિકા જીમખાના હત્યાકાંડ સહિત અન્ય ગુનામાં સંડોવાયેલો હતો. 2019માં તેને પેરોલ પર જેલમાંથી મુક્ત કરાયો હતો. ત્યારબાદ તે ફરાર થઈ ગયો હતો અ ધરપકડ ટાળવા અલગ અલગ રાજ્યોમાં નાસતો ફરતો હોવાનું જણાયું હતું. પોલીસે હ્યુમન ઈન્ટેલિજન્સ તથા ફિલ્ડ સર્વેલન્સને આધારે તસ્લિમને શોધી કાઢયો હતો અને રાજસ્થાનમાંથી દબોચી લીધો હતો.

તસ્લિમ ઉર્ફે મોહમ્મદ ઉમર શેખને ગુજરાતમાં બે મોટા હાઈપ્રોફાઈલ ગુનામાં સંડોવણી બદલ આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. 90ના દાયકામાં અમદાવાદના બહુચર્ચીત રાધિકા જીમખાના હત્યાકાંડમાં તે સામેલ હતો. લતીફ ગેંગના માણસોએ દારૂના ધંધાની અદાવતમાં હરીફ બુટલેગર હંસરાજ ત્રિવેદી પર એકે-47 સહિતના હથિયારો વડે હુમલો કર્યો હતો જેમાં નવ લોકોની હત્યા કરાઈ હતી. આ ઉપરાંત તે ઓક્ટોબર 92માં કોંગ્રેસના રાજ્ય સભાના પૂર્વ સાંસદ રઉફ વલીઉલ્લાહની હત્યામાં દોષિત ઠર્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક