જામ ખંભાળિયા, તા.4 : ઓખા સ્થિત સુપ્રસિદ્ધ સિગ્નેચર બ્રીજનાં નિર્માણ કાર્ય દરમિયાન દરિયામાં બનાવાયેલા કામચલાઉ પ્લેટફોર્મના લોખંડના ભંગારની હેરાફેરીમાં ચાલી રહેલી તપાસમાં મોટો ખુલાસો થયો છે. દેવભૂમિ દ્વારકા એલસીબી પોલીસે બોગસ દસ્તાવેજો અને વાહનોની ખોટી નંબર પ્લેટોનો ઉપયોગ કરી સરકાર સાથે વિશ્વાસઘાત અને કરોડો રૂપિયાની જીએસટી ચોરી આચરવાના આ હાઇ પ્રોફાઇલ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજાસિંહ વાળાનાં માર્ગદર્શન હેઠળ પોલીસે પૂર્વયોજિત કાવતરું રચીને ઓખાથી ક્રેપના બોગસ ઇ-વે બિલ જનરેટ કરતી વડોદરાની શાતિર ટોળકીના સાત સાગરીતોને દબોચી લીધા છે, જેમના વિરુદ્ધ ઓખા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.
એલસીબી
ઇન્ચાર્જ પીઆઇ એન. એચ. જોશી અને પીએસઆઇ બી. એમ. દેવમુરારીની ટીમ દ્વારા હાથ ધરાયેલા
આ સફળ ઓપરેશનમાં મુકેશ સુથાર, રવી મીશ્રા, નુરમીયા ઉર્ફે બબલુ પઠાણ, બબ્બનકુમાર ભારદ્વાજ,
દેવાંશુ રાજપૂત, જયસુખ વાઢેર અને હિલેરી કેસ્ટેલી નામના આરોપીઓની ધરપકડ કરવામાં આવી
છે. પોલીસે આ કાર્યવાહી દરમિયાન આરોપીઓ પાસેથી કુલ 58.86 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
છે, જેમાં બે આઇસર ગાડીઓ, એક સ્વિફ્ટ કાર, એક સ્કોર્પિયો કાર, 11 નંગ મોબાઇલ ફોન, રોકડ
રકમ તેમજ અંદાજે 5.74 લાખની કિંમતનો 28,700 કિલો લોખંડનો ક્રેપ શામેલ છે. આ આંતરજિલ્લા
કૌભાંડને ઝડપી પાડવામાં એલસીબી, ઓખા પોલીસ, ટેકનિકલ સેલ અને નેત્રમની ટીમે સંયુક્ત
રીતે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.