14નાં મૃત્યુ, કરોડોનું નુકસાન: ભારે વરસાદ, ભૂસ્ખલન તેમજ વાદળ ફાટવાની ઘટનાઓથી જનજીવન બેહાલ
નવી
દિલ્હી, તા. 4 : હિમાચલ પ્રદેશમાં દક્ષિણ - પશ્ચિમ ચોમાસાંનો કહેર યથાવત્ છે. ભારે
વરસાદ, વાદળ ફાટવાની ઘટનાઓ અને ભૂસ્ખલનને કારણે રાજ્યમાં સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ
છે. છેલ્લા ત્રણ દિવસમાં કુદરતી આફતોનાં કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને
14 થઈ ગઈ છે. સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટરના અહેવાલ મુજબ, આ અકસ્માતોમાં 12 લોકોનાં
મોત હવામાન સંબંધિત ઘટનાઓમાં થયાં છે, જ્યારે બે લોકોએ રોડ એક્સિડન્ટમાં જીવ ગુમાવ્યા
છે.
કિન્નોર
જિલ્લામાં શુક્રવારે વહેલી સવારે આશરે ચાર વાગ્યે થયેલા ભારે વરસાદને કારણે ચાલિંગ
વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ
સર્જાઈ
હતી. પૂરની સાથે આવેલા ભારે કાટમાળનાં કારણે શિમલા - રિકાંગપિઓ રાષ્ટ્રીય રાજમાર્ગ
આશરે 30 મીટર સુધી બંધ થઈ ગયો હતો, જે સવારે 10 વાગ્યા સુધી બંધ રહ્યો હતો. આ દરમિયાન
હાઈ-વે પરથી પસાર થઈ રહેલી બે કાર કાટમાળની લપેટમાં આવી ગઈ હતી, પરંતુ સદ્નસીબે તે
સમયસર રોકાઈ જતાં મોટી દુર્ઘટના ટળી હતી.
રાજ્યમાં
મોન્સૂનનાં આગમન સાથે જ અત્યાર સુધીમાં આશરે 16 કરોડ રૂપિયાનાં નુકસાનનું આકલન કરવામાં
આવ્યું છે. છેલ્લા ત્રણ દિવસમાં રાજ્યમાં 30.9 મિલિમીટર વરસાદ નોંધાયો છે, જે સામાન્ય
કરતાં 106 ટકા વધુ છે. ખાસ કરીને કિન્નોરમાં સામાન્ય કરતાં 423 ટકા વધુ વરસાદ થયો છે.
ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે હાલમાં પણ રાજ્યના 49 રસ્તા અને 3 ટ્રાન્સફોર્મર બંધ
છે.