અનૌપચારિક ટેસ્ટના બીજા દિવસે સાઈ સુદર્શનની સદી : પડીક્કલના 94 રન
ગાલે,
તા. 3 : શ્રીલંકા-એ અને ઈન્ડિયા-એ વચ્ચે ગાલેમાં અનૌપચારિક ટેસ્ટ મેચના બીજા દિવસે
શ્રીલંકન ટીમ પહેલી ઈનિંગમાં 366 રનમાં ઓલઆઉટ થઈ હતી. જેમાં સહાન અરાચિગેએ સદી ફટકારી
હતી. જ્યારે ગુરનૂર બરાર અને સારાંશ જૈને 4-4 વિકેટ લઈને શ્રીલંકાને વધુ મોટો સ્કોર
કરતા રોક્યું હતું. બાદમાં ભારતીયે મજબૂત શરૂઆત કરી હતી અને દિવસના અંત સુધીમાં એક
વિકેટે 247 રન કરી લીધા હતા. આ દરમિયાન સાઈ સુદર્શન સદી કરીને અને દેવદત્ત પડીક્કલ
94 રને નોટઆઉટ રહ્યા હતા.
શ્રીલંકા-એએ
બીજા દિવસે પાંચ વિકેટના નુકસાને 288 રનથી ઈનિંગ આગળ વધારી હતી. જો કે ભારતીય બોલરોએ
પહેલા જ સત્રમાં પુરી ટીમને 366મા સમેટી હતી. આ દરમિયાન કેપ્ટન સહાન અરાચિગેએ 207 બોલમાં
13 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 127 રન કર્યા હતા. આ ઉપરાંત કોઈપણ ખેલાડી અર્ધસદી સુધી
પહોંચી શક્યો નહોતો. ભારતે પણ ઈનિંગની મજબૂત શરૂઆત કરતા બીજા દિવસના અંત સુધીમાં જ
એક વિકેટે 247 રન કરી લીધા હતા. આ દરમિયાન સાઈ સુદર્શને સદી ફટકારી હતી. સુદર્શન
184 બોલમાં 104 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. જ્યારે તેનો સાથ દેવદત્ત પડીક્કલે આપ્યો
હતો. પડ્ડીકલ પણ 151 બોલમાં 94 રને નોટઆઉટ પરત ફર્યો હતો. ભારતની એક વિકેટ અમન મોખાડેના
રૂપમાં પડી હતી. જે 38 રને આઉટ થયો હતો.