રેંજ
આઈજી નિર્લિપ્ત રાય જેતપુર સિવિલ હોસ્પિટલે દોડી જઈ ઈજાગ્રસ્ત અધિકારીના ખબર અંતર પૂછ્યા
જેતપુર,
તા.28: જેતપુરના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગતરાતે દેશી દારૂની હેરાફેરી પકડવા
ગયેલી પોલીસ પર બુટલેગરે જીવલેણ હુમલો કર્યો હતો. બાતમીના આધારે વોચ ગોઠવીને ઊભેલી
પોલીસે દારૂ ભરેલી કાર રોકતા આરોપીએ હેડ કોન્સ્ટેબલ ઉપર છરી વડે હુમલો કરી ઇજા પહોંચાડી
હતી. આ બનાવમાં આરોપી પણ ભાગતી વખતે રોડના ડિવાઈડર સાથે અથડાતા ઈજાગ્રસ્ત થયો હતો,
જેથી પોલીસે બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડયા હતા અને ઘટનાની ગંભીરતા જોતા ઉચ્ચ
અધિકારીઓએ હોસ્પિટલ પહોંચી ઘાયલ કોન્સ્ટેબલના ખબર અંતર પૂછ્યા હતા.
આ કેસમાં
પોલીસ દ્વારા બાતમીવાળી સ્વિફ્ટ કારમાંથી આશરે 200 લીટર દેશી દારૂ, કાર, છરી અને મોબાઈલ
ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. દારૂના આ ગુનામાં દિલીપ ઉર્ફે દિલો ભાણકુભાઈ
શેખવા (રહે. જેતપુર ભાદર સામાકાંઠે) ઉપરાંત દારૂ મોકલનાર કાનો રબારી (રહે. જૂનાગઢ)
અને મંગાવનાર રેખાબેન ઉર્ફે ઢફુ લલિતભાઈ વેગડા (રહે. જેતપુર) વિરુદ્ધ પણ ગુનો નોંધાયો
છે. પોલીસે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે રાજકોટ રેન્જ આઈજી
નિર્લિપ્ત રાયે સિવિલ હોસ્પિટલ ખાતે રૂબરૂ જઈને ઇજાગ્રસ્ત પોલીસ કર્મચારીની મુલાકાત
લીધી હતી અને તેમની કામગીરીને બિરદાવીને પુરસ્કાર પણ જાહેર કર્યો હતો.