રાજકોટના આંગણે પુનઃ મંગળ અવસર ઃ શિક્ષણ-કેળવણી ક્ષેત્રના ઉત્કર્ષ માટે જન્મભૂમિ જૂથના મહાપ્રકલ્પને સાંપડશે મોરારિબાપુના આશીર્વાદ
રાજકોટને 2024માં સદ્ભાવના કથા પછી ટૂંકાગાળામાં મોરારિબાપુની કથાનો લાભ
આયોજનની તડામાર તૈયારી શરૂ, કથા પછી પ્રસાદ ઃ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજનની પણ વિચારણા
રાજકોટ તા. 28 ઃ (ફૂલછાબ ન્યૂઝ) રાજકોટના આંગણે મોરારિબાપુની રામકથાનો પાવન અવસર ફરી એક વાર આવ્યો છે. ફૂલછાબ અત્યંત ગૌરવ સાથે ગુરુપુર્ણિમાના પાવન અવસરે એ ઘોષણા કરી રહ્યું છે કે 2027ના આરંભે રાજકોટમાં મોરારિબાપુની રામકથાનું આયોજન ફૂલછાબ દ્વારા કરવામાં આવ્યું છે. મોરારિબાપુ અને ફૂલછાબનો સંબંધ સાડા ચાર દાયકા જૂનો છે. ફૂલછાબ એવોર્ડમાં તથા અન્ય કોઈ પણ કાર્યક્રમોમાં બાપુની ઉમળકાભેર ઉપસ્થિતિ હોય છે પરંતુ આ તો એક મોટો અવસર અને ઉપલબ્ધિ છે કે બાપુએ ફૂલછાબને કથા આપી છે.
ગુજરાતી પત્રકારત્વમાં શિરમોર, પરંપરા જાળવીને આધુનિકતાને પણ અપનાવનારું ઐતિહાસિક અખબાર સૌરાષ્ટ્રની પ્રજાના પ્રશ્નોના ઉકેલ માટે સદા સક્રિય રહ્યું છે. મોરારિબાપુની વ્યાસપીઠ પણ એક પ્રકારે વ્યાપપીઠ છે. રામકથાના માધ્યમથી સામાજિક પરિવર્તન માટેનું એક અભિયાન લઈને મોરારિબાપુ વર્ષોથી વિહાર કરી રહ્યા છે. સત્ય, પ્રેમ, કરુણા એ ત્રણ શબ્દોને મંત્રોનું રુપ આપીને બાપુએ તેને વિશ્વ વ્યાપ્ત બનાવ્યા છે. ફૂલછાબના માધ્યમથી દરરોજ કથાના અહેવાલ મળે છે. ફૂલછાબ આયોજિત શાંતિયાત્રા હોય, એવોર્ડ હોય કે નવા મુદ્રણ મશીનનું ઉદ્ઘાટન હોય, મોરારિબાપુ પ્રેમથી ઉપસ્થિત રહ્યા છે. હવે તો તેઓ જાન્યુઆરી 2027માં નવ દિવસ રામકથા કરશે.
સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મેનાજિંગ ટ્રસ્ટી શ્રી હાર્દિક મામણિયાએ આ અનુસંધાને કહ્યું હતું કે જન્મભૂમિ જૂથ, સૌરાષ્ટ્ર ટ્રસ્ટ આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં શિક્ષણ ક્ષેત્ર માટે બહુ મોટાપાયે ઉત્કર્ષના કાર્યો કરવા ઈચ્છે છે. શાળાના મકાનો બાંધવા, જૂની શાળાઓનું સમારકામ કરાવવું, સ્માર્ટ ક્લાસ, શિષ્યવૃત્તિથી લઈને અનેક બાબતો તેમાં સમાવિષ્ટ છે. આ કથા થકી બાપુ અને વ્યાસપીઠના આશિષ પ્રાપ્ત થાય, વિશ્વસ્તરે મોટું ભંડોળ એકત્ર થાય અને આ દિશામાં અમે કામ કરી શકીએ તે અમારો મનોરથ છે. રાજકોટની રામકથા સ્મરણીય બની રહેશે.
જન્મભૂમિ જૂથના મોવડીઓના માર્ગદર્શનમાં કથાની તૈયારી આરંભાઈ છે. ટૂંક સમયમાં કથાની વિશેષ વિગતો જાહેર થશે. જેમને પણ જાણ થઈ છે કે રાજકોટમાં કથા યોજાવાની છે તેમના હૃદયમાં ઉત્સાહ સમાતો નથી. રાજકોટના આંગણે પુનઃ બાપુ કથા ગાશે તે વાત જ અનોખી છે.