વધુ એક મોડયુલનો પર્દાફાશ: આધુનિક
હથિયારો સાથે બે સંદિગ્ધ ઝડપાયા
નવીદિલ્હી, તા.28 : પાકિસ્તાન
પ્રેરિત આતંકવાદી શહબાઝ અંસારીના વધુ એક મોડયુલનો દિલ્હી પોલીસે પર્દાફાશ કર્યો છે.
આ કાર્યવાહી દરમિયાન બે શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે તેમની પાસેથી એક સબ-મશીન
ગન અને ત્રણ અદ્યતન હથિયારો જપ્ત કર્યા છે. ઉપરાંત 82 કારતૂસ પણ કબજે લેવામાં આવ્યા
છે. જપ્ત કરાયેલી સબ-મશીન ગન ચેકોસ્લોવાકિયામાં બનેલી છે.
આ હથિયાર પાકિસ્તાનથી નેપાળના
માર્ગે ભારતમાં લાવવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે. ધરપકડ કરાયેલા આરોપી સલીમ પિસ્ટલે
તેને પાકિસ્તાનથી ભારતમાં ઘૂસાડયા હતા. પોલીસે જણાવ્યું કે આ જ મોડ્યુલના સભ્યો પાસેથી
અગાઉ પણ એક મશીન ગન જપ્ત કરવામાં આવી હતી.
દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે
6 જુલાઈએ મોટી કાર્યવાહી કરીને કુખ્યાત શહેજાદ ભટ્ટી નેટવર્કના બે અલગ-અલગ મોડયુલનો
પર્દાફાશ કર્યો હતો. આ મામલે દિલ્હી અને પંજાબના વિવિધ વિસ્તારોમાં દરોડા પાડી છ શંકાસ્પદની
ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓ પાસેથી મોટી માત્રામાં ગેરકાયદેસર હથિયારો, પિસ્તોલ
અને ખતરનાક પેટ્રોલ બોમ્બ પણ જપ્ત કરવામાં આવ્યા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, ધરપકડ
કરાયેલા આરોપીઓ બે અત્યંત ખતરનાક અને અલગ-અલગ નેટવર્ક મારફતે પોતાની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને
અંજામ આપી રહ્યા હતા.