પરિવારોને બરબાદ થતા બચાવવા મહિલાઓએ
બે દિવસ સુધી કરી જનતા રેઇડ
વડિયા, તા.11: વડિયા-કુંકાવાવ
તાલુકાના નાજાપુર ગામે દારૂના કારણે યુવાધન અને પરિવારો બરબાદ થતું હોય ગામની મહિલાઓએ
દારૂના અડ્ડાઓ પર સતત બે દિવસ સુધી જનતા રેઈડ કરી અને 112ના માધ્યમથી પોલીસને પણ જાણ
કરી હતી. જો કે પોલીસને ક્યાય તે જગ્યાએથી દારૂ મળ્યો નહીં અને મહિલાઓ અને બાળકો દારૂ
શોધી લાવ્યા હતા.
આ જનતા રેઈડના બે દિવસના વીડિયો
સોશિયલ મીડિયામાં વાઇરલ થયા બાદ સમગ્ર જિલ્લામાં જાણે હડકંપ મચ્યો હોય તેમ અમરેલી જિલ્લાની
પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે. વાઇરલ થયેલા વીડિયોમાં મહિલાઓ અમારા પુરુષો
સવારથી જ દારૂ પીવે છે, જુવાન દીકરાઓ દારૂના રવાડે ચડતા જાય છે અને અમારા પરીવાર બરબાદ
થઈ રહ્યા છે. તેવું બોલતી નજરે પડે છે. તો બીજા વીડિયોમાં દારૂ વેચનારા હપ્તો આપતા
હોવાની વાતો પણ સંભળાઈ હતી. તેમજ આક્ષેપ કરાયો છે કે, કુંકાવાવ આઉટપોસ્ટ પોલીસ સ્ટેશનના
ગામડાઓમાં ગેરકાનૂની પ્રવુતીઓ બે રોકટોક ચાલે છે અને પોલીસ પેટ ભરીને હપ્તાઓ વસુલે
છે. જો આ આક્ષેપો સાચા હોય તો આ બાબતે કડક કાર્યવાહી કરવી જરૂરી છે. ભાવનગર રેન્જ આઇજી,
જિલ્લા પોલીસ વડા ત્વરિત પગલાંઓ લઇ ગામડે ગામડે દારૂ સાહિતની બદીઓ, ગેરકાનૂની ધંધાઓ
સામે જુંબેશ ચલાવે તેવી જાગૃત લોકો માગ કરી રહ્યા છે.