ચાર
સપ્તાહમાં ખાનગી શાળાના શિક્ષકો મામલે જવાબ દાખલ કરવા નિર્દેશ
નવી
દિલ્હી, તા. 11 : દેશની ખાનગી શાળાઓના શિક્ષકો માટે એક સમાન વેતન, પેન્શન અને અન્ય
નિવૃત્તિ લાભની માગ સંબંધિત અરજી ઉપર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. દેશની
સર્વોચ્ચ અદાલતે આ મામલે કેન્દ્ર અને રાજ્ય સરકારો પાસેથી જવાબ માગ્યો છે. એક જનહિતની
અરજી ઉપર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે ચાર સપ્તાહની અંદર જવાબ દાખલ કરવા માટે નિર્દેશ
આપ્યો છે. આ અરજીમાં ખાનગી શાળાના શિક્ષકોના કલ્યાણ, સામાજિક સુરક્ષા અને નિવૃત્તિ
બાદની સુરક્ષા માટે એક વ્યાપક રાષ્ટ્રીય નીતિ બનાવવાની માગણી કરવામાં આવી છે. જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ સંદીપ
મહેતાની બેંચે કેન્દ્ર સરકારની સાથે રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશો અને નેશનલ કાઉન્સીલ
ફોર ટીચર એજ્યુકેશનને પણ નોટિસ આપી છે. આ મામલે ચાર સપ્તાહ બાદ ફરીથી સુનાવણી કરવામાં
આવશે. સુપ્રીમ કોર્ટમાં આ અરજી ઓલ ઈન્ડિયા ટીચર્સ ફેડરેશનના નેશનલ કોઓર્ડિનેટર લિગીમોલ
જોર્જ દ્વારા દાખલ કરવામાં આવી છે. અરજીમાં કેન્દ્ર સરકાર સમક્ષ માગણી કરવામાં આવી
છે કે એક નક્કી સમય મર્યાદામાં ખાનગી શાળાના
શિક્ષકો માટે વ્યાપક રાષ્ટ્રીય નીતિ બનાવવા ઉપર વિચાર કરવામાં આવે.
અરજકર્તાના
કહેવા પ્રમાણે ખાનગી શાળાના શિક્ષક આર્ટિકલ 21એ હેઠળ સંવૈધાનિક આદેશને આગળ વધારવામાં
જરૂરી સાર્વજનિક કામ કરે છે. જો કે તેમના માટે કોઈ વ્યાપક માળખું બન્યુ નથી. વર્તમાન
સમયે રાજ્યના કાયદા, સંસ્થાનોની રીત અને નોકરીની શરતો ઉપર ખાનગી શાળાના શિક્ષકો નિર્ભર
છે. આ કારણે એક રેંકના શિક્ષકોને અલગ અલગ લાભ મળી રહ્યા છે. અરજીમાં નેશનલ પ્રાઈવેટ
સ્કુલ ટિચર્સ વેલફેર બોર્ડ, નિવૃત્તિ બાદ પેન્શન જેવી સુવિધા, ચિકિત્સા સહાય, વીમા
અને પરિવાર માટે લાભ સુનિશ્ચિત કરવા એક સરકારની તંત્ર બનાવવાની માગણી કરવામાં આવી છે.