કેન્દ્રીય
મંત્રી નીતિન ગડકરીએ ‘વનટેગ’ સેવાનો પ્રારંભ કરાવ્યો
મુંબઈ,
તા. 11 : ફાસ્ટેગ વપરાશકર્તાઓ બેંક બદલવા માટે તેમના વાહનના વિન્ડશિલ્ડ પરથી જૂનું
સ્ટીકર હટાવવા કે નવું ફિઝિકલ ટેગ લગાવવા બદલે તેને મોબાઈલ સિમકાર્ડની જેમ જ પોર્ટેબલ
કરાવી શકે તે માટે મુંબઈ ખાતે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ શુક્રવારે ‘વનટેગ’ની સેવાનો
પ્રારંભ કરાવ્યો હતો.
એક મીડિયા
હેવાલ મુજબ, કેન્દ્રીય મંત્રીએ વનટેગ સેવાનો પ્રારંભ કરાવતાં હવે, નવી પદ્ધતિ મુજબ, વપરાશકર્તાઓએ હવે તેમનું જૂનું એકાઉન્ટ બંધ કરવાની
જરૂર રહેશે નહીં. એક જ ફાસ્ટેગ સ્ટીકરનો ઉપયોગ વિવિધ બેંકોમાં થઈ શકશે.
ટોલ
પ્લાઝા પર ટોલની રકમ કાપવાની પદ્ધતિ બિલકુલ પહેલાં જેવી જ રહેશે, તેમાં કોઈ ફેરફાર
કરવામાં આવશે નહીં. વપરાશકર્તાએ ટોલ પ્લાઝા પર વાહન રોકવાની કે અન્ય કોઈ અલગ પ્રક્રિયા
કરવાની જરૂર નથી. નેશનલ ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શન
સિસ્ટમ બેકએન્ડ કામગીરી સંભાળશે અને બેંકની નવી વિગતો આપમેળે અપડેટ કરશે. આનો અર્થ
એ છે કે, ટોલ પ્લાઝા પરથી પસાર થવાની પ્રક્રિયા સંપૂર્ણપણે યથાવત રહેશે. નોંધનીય છે
કે, આ અગાઉ બેંક બદલવા માટે ફાસ્ટેગ વપરાશકર્તાએ તેમનું હાલનું ટેગ એકાઉન્ટ બંધ કરવું
પડતું હતું. ત્યારબાદ, નવું ફિઝિકલ સ્ટીકર મેળવવા માટે તેમણે શરૂઆતથી જ નોંધણી (ઓનબોર્ડિંગ)
પ્રક્રિયા પૂર્ણ કરવી પડતી હતી.