શારીરિક-માનસિક ત્રાસ અને ગંભીર
આક્ષેપોના પગલે ગારિયાધાર પોલીસ મથકે ગુનો દાખલ
ગારિયાધાર, તા.11: ગારિયાધાર
શહેરના કૈલાશ નગર ખાતે ગત તારીખ 2 સપ્ટેમ્બર 2026ના રોજ ડોક્ટર ઋત્વીબેને પોતાના સાસરે
રહેણાંક મકાને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ ઘટના અંગે મૃતક યુવતીના પિતા ડોક્ટર
દેવરાજભાઈ મનજીભાઈ વિરાણી દ્વારા ગારીયાધાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
નોંધાવવામાં આવેલી વિગતો મુજબ, તેમની દીકરી બી.ડી.એસ.નો અભ્યાસ કરી ગારિયાધારની ગોકુળ
હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરતી હતી, જ્યાં ડોક્ટર પૃથ્વી મહેન્દ્રભાઈ પરમાર સાથે પરિચય
થયા બાદ પ્રેમસંબંધ બંધાયો હતો. જ્ઞાતિના ભેદભાવના કારણે પરિવારજનોએ શરૂઆતમાં વિરોધ
કર્યો હોવા છતાં, પાછળથી તારીખ 18 માર્ચ 2025ના રોજ બંનેએ પ્રેમલગ્ન કર્યા હતા. લગ્ન
બાદ થોડા જ સમયમાં સાસરી પક્ષ દ્વારા દીકરીને શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ
કરવામાં આવ્યું હતું.
ફરિયાદમાં જણાવ્યા અનુસાર, લગ્નના
થોડા સમય બાદ મૃતક દીકરીએ પિતાને વોટ્સએપ કોલ કરીને તેના સાસુ વિલાસબેન મહેન્દ્રભાઈ
પરમાર, સસરા મહેન્દ્રભાઈ પરમાર, નણંદ ભૂમિબેન અને નયનભાઈ તથા પતિ ડોક્ટર પૃથ્વી પરમાર
દ્વારા અપશબ્દો બોલીને ભારે ત્રાસ અપાતો હોવાનું જણાવ્યું હતું. આરોપીઓ દ્વારા દીકરીને
બાનમાં રાખીને અન્ય પુરુષ સાથે શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરવામાં આવતું હોવાના
અને જીવનું જોખમ હોવાના ગંભીર આક્ષેપો કરાયા છે. આ તમામ દુર્વ્યવહાર અને ત્રાસથી કંટાળીને
અંતે દીકરીએ આત્યંતિક પગલું ભર્યું હતું. આ મામલે પોલીસે સાસરિયા વિરુદ્ધ મારવા મજબૂર
કર્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે,