સૌરાષ્ટ્ર-કચ્છ
અને ઉત્તર ગુજરાતમાં ચિંતા વધી, સર્વે બાદ દુષ્કાળ અંગે નિર્ણય લેવાશે
(અમારા
પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,
તા. 11 : ગુજરાતમાં ચાલુ વર્ષે વરસાદની ભારે અસમાનતાને પગલે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં દુષ્કાળ જેવી સ્થિતિના એંધાણ જોવા મળી રહ્યા છે. ઓછા વરસાદને
કારણે ખેડૂતો અને પશુપાલકોની ચિંતા વધી છે. વિધાનસભામાં વિપક્ષના સભ્યો ડૉ. તુષાર ચૌધરી,
અમિત ચાવડા, ડૉ. કિરીટ પટેલ અને વિમલ ચુડાસમાએ સરકારનું ધ્યાન દોરી અસરગ્રસ્ત જિલ્લાઓને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર
કરવાની માગ કરી હતી.
વિપક્ષની રજૂઆતના જવાબમાં મહેસૂલ વિભાગ વતી મંત્રી
ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, માત્ર ઓછા કે અસમાન વરસાદના આધારે સીધી રીતે દુષ્કાળ
જાહેર કરી શકાય નહીં. કેન્દ્ર સરકારના Drought Management Manual-2016 (Updated 2020) મુજબ વરસાદ, વાવેતર, જમીનમાં
ભેજ, સેટેલાઇટ ડેટા અને ભૂગર્ભજળ સહિતના વિવિધ માપદંડોનું વૈજ્ઞાનિક મૂલ્યાંકન કરવું
જરૂરી છે. સરકાર દ્વારા Trigger-1 અને Trigger-2 હેઠળની પ્રક્રિયા હાથ ધરવામાં
આવી રહી છે. 31 ઓક્ટોબર સુધીમાં 10 ટકા ભૌતિક ચકાસણી GPS-સ્માર્ટફોન એપ મારફતે કરવામાં આવશે. ત્યારબાદ પાકને
થયેલા નુકસાનના વૈજ્ઞાનિક મૂલ્યાંકનના આધારે અછત, દુષ્કાળ અથવા અર્ધદુષ્કાળ અંગે અંતિમ
નિર્ણય લેવાશે. હાલ મુખ્યમંત્રી અને મુખ્ય સચિવ કક્ષાએ સ્થિતિનું દૈનિક મોનિટારિંગ
કરવામાં આવી રહ્યું છે.
ક્યાંક
મેઘમહેર, તો ક્યાંક વરસાદની ભારે અછત
3 સપ્ટેમ્બર
2026ની સ્થિતિએ રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 75.43 ટકા એટલે કે 685.53 મી.મી.
નોંધાયો છે. જોકે, વરસાદનું વિતરણ અત્યંત અસમાન રહ્યું છે. દક્ષિણ ગુજરાતમાં સરેરાશ
103.91 ટકા વરસાદ નોંધાયો છે, જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં સ્થિતિ ચિંતાજનક
છે. જેમાં દેવભૂમિ દ્વારકા 6.41 ટકા, પોરબંદર 18.12 ટકા, જામનગર 28.88 ટકા અને કચ્છમા
29.29 ટકા વરસાદ વરસ્યો છે. આ વિસ્તારોમાં વરસાદની અછતને કારણે ઊભા પાકને નુકસાન થવાની
સાથે પીવાના અને સિંચાઈના પાણીની કટોકટી સર્જાવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે.