• સોમવાર, 14 સપ્ટેમ્બર, 2026

જેતપુરના ખારચિયા ગામ પાસે ખાનગી બસે ઓટો રિક્ષા અને બાઈકને અડફેટે લેતા પાંચ લોકો ઈજાગ્રસ્ત

બેકાબૂ ટ્રાવેલ્સ બસે સર્જેલા અકસ્માતમાં જામનગરના એક જ પરિવારના સભ્યો અને બાઈકચાલક ઘાયલ

જેતપુર,તા.13:જેતપુરના ખારચિયા ગામ પાસે સાંજના સમયે બગસરા તરફથી પૂરઝડપે આવી રહેલી ખાનગી ટ્રાવેલ્સ બસના ચાલકે સ્ટારિંગ પરથી કાબૂ ગુમાવતા આગળ જતી ઓટો રિક્ષા અને સામેથી આવતા મોટરસાયકલને અડફેટે લીધા હતા, જેથી રિક્ષા પલટી મારી જતાં અને બાઈક બસ નીચે ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. આ ગંભીર અકસ્માતને પગલે ગ્રામજનો તરત જ દોડી આવ્યા હતા અને બે 108 એમ્બ્યુલન્સ બોલાવી તમામ ઇજાગ્રસ્તોને જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડયા હતા, જ્યારે ઘટના બાદ બસચાલક નાસી છૂટયો હતો અને હાઇવે પર ટ્રાફિકજામ સર્જાતા ગ્રામજનોએ ભારે જહેમત ઉઠાવી વાહનવ્યવહાર પૂર્વવત કર્યો હતો.

આ અકસ્માતમાં સોમનાથ મહાદેવના દર્શન કરી જામનગર પરત જઈ રહેલા એક જ પરિવારના સોનલબેન નટવરભાઈ ગોદરિયા, તેમનો પુત્ર રિતિક, પુત્રી શીતલ તેમજ ભાવનાબેન વિજયભાઈ ગોદારીયા અને તેમની પુત્રી દીપાલીને સામાન્ય ઇજાઓ પહોંચતા તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી, જ્યારે જેતપુરથી ખારચિયા તરફ જઈ રહેલા મોટરસાયકલ ચાલક યતિન ચંદુભાઈ સેંજલીયાને ગંભીર ઈજા થતાં વધુ સારવાર અર્થે રીફર કરવામાં આવ્યા હતા. ખારચિયા ગામના સરપંચ ચંદ્રેશભાઈ સેંજલીયાના જણાવ્યા મુજબ અકસ્માતને કારણે બસ રોડ નીચે ઉતરી ગઈ હતી પરંતુ સદનસીબે બસમાં સવાર અન્ય મુસાફરો સુરક્ષિત રહ્યા હતા, જ્યારે ટ્રાફિક હળવો કરવા સ્થાનિકોએ જહેમત ઉઠાવી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક