• સોમવાર, 14 સપ્ટેમ્બર, 2026

મલેશિયાના વડાપ્રધાને કહ્યું, રાહુલ ગાંધી મારા સારા મિત્ર

બ્રિક્સ વચ્ચે અનવર ઈબ્રાહિમ અને કોંગ્રેસ નેતાની મુલાકાત

નવી દિલ્હી, તા. 13 : દિલ્હીમાં ચાલી રહેલી 18મી બ્રિક્સ સમિટ દરમિયાન મલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહિમે રવિવારે વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી તેમને સારા મિત્ર ગણાવ્યા હતા. એક મીડિયા હેવાલ મુજબ,  ઇબ્રાહિમે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, આજે સવારે નાસ્તા દરમિયાન મારા સારા મિત્ર રાહુલ ગાંધીને ફરી એકવાર મળવાની તક મળી. અમે તાજેતરની આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક ઘટનાક્રમો અંગે અમારા વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું.

આ મુલાકાત બ્રિક્સ સમિટની સાથે યોજાઈ હતી અને તેઓએ સાથે નાસ્તો કર્યો હતો. જો કે, બેઠકનું ચોક્કસ સ્થળ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. કોંગ્રેસ પક્ષ અને વડાપ્રધાન ઈબ્રાહિમ બંનેએ એક્સ (ટ્વિટર) પર આ મુલાકાતની તસવીરો શેર કરી હતી. આ બેઠક દરમિયાન કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધી પણ ઉપસ્થિત હતાં.

નોંધનીય છે કે, મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહિમે છેલ્લા આઠ વર્ષમાં ત્રણ વખત ભારતની મુલાકાત લીધી છે. દરેક મુલાકાત વખતે તેમણે રાહુલ ગાંધીને મળવાનું ખાસ ધ્યાન રાખ્યું છે.

ઇ-પેપરના નવા શુલ્ક