નવા સીસી રોડ પર સ્પીડ બ્રેકર
અને સાઈડો પૂરવાની કામગીરી અધૂરી હોવાથી સ્થાનિકોમાં તંત્ર સામે રોષ
મોટી પાનેલી, તા.13: ઉપલેટા તાલુકાના
મોટી પાનેલી ગામમાં સીદસર રોડ પર મોહન નગર વિસ્તારમાં વહેલી સવારે જામનગર-ઉના રૂટની
એસટી બસ અને જામજોધપુર તરફ જતી ખાનગી ટ્રાવેલ્સની તુલસી બસ વચ્ચે અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે
જ એક આધેડ મહિલાનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું અને બે મુસાફરોની હાલત ગંભીર
જણાતા અન્ય 10 થી 15 ઇજાગ્રસ્તોને ઉપલેટા તથા જામજોધપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
હતા. આ ગંભીર અકસ્માતને પગલે સવાર-સવારમાં મુસાફરોની ચીચીયારીઓથી સમગ્ર વિસ્તાર સ્તબ્ધ
થઈ ગયો હતો અને સ્થાનિક લોકોએ તાત્કાલિક દોડી આવી ચાર એમ્બ્યુલન્સ મારફતે ઘાયલોને હોસ્પિટલ
પહોંચાડવામાં મદદ કરી હતી.
આ ગંભીર ઘટના અંગે અકસ્માત સમયે
મોજુદ સ્થાનિક રહેવાસી મેરૂભાઇ વરાણીયાએ જણાવ્યું હતું કે બંને બસો અચાનક સામસામે આવી
જતા ભયંકર ધડાકા સાથે અથડાઈ હતી અને ડ્રાઇવરે બ્રેક મારવા છતાં સ્પીડ તથા સ્ટારિંગ
પરથી કાબુ ગુમાવતા આ દુર્ઘટના સર્જાઈ હતી.
નવનિર્મિત સીસી રોડ પર કોઈ સ્પીડ
બ્રેકર ન હોવા, રોડની સાઈડો અધૂરી મૂકવા, ધૂળ અને મોરમ તેમજ ગટરની કુંડીઓ પાસે ઈંટોનું
ચણતર કરવાને કારણે વાહનચાલકોને રોડ વચ્ચે વાહન ચલાવવાની ફરજ પડે છે. સ્થાનિકોએ આક્રોશ
વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જે સ્થળે અકસ્માત થયો ત્યાં રોજ સવારે શાળાએ જતા બાળકો
ઊભા રહે છે, પરંતુ આજે રવિવાર હોવાથી મોટી હોનારત ટળી હતી અને જો તંત્ર નહીં જાગે તો
ભવિષ્યમાં વધુ ગંભીર અકસ્માતો સર્જાઈ શકે છે.