• સોમવાર, 14 સપ્ટેમ્બર, 2026

સતત ત્રીજી વખત જુનિયર હોકી એશિયા કપ જીતતી ભારતીય મહિલા ટીમ

ચીનને તેના જ ઘરમાં 1-0 થી હરાવ્યું : વિજેતાઓને 3-3 લાખ ઈનામ

મોકી, તા.13 : ભારતીય મહિલા ટીમે જુનિયર એશિયા કપનો ખિતાબ જાળવી રાખ્યો છે. સાનિકા ચંદ્રકાંત માનેએ 17મી મિનિટે કરેલા ગોલની મદદથી ભારતે ચીનને તેના જ ઘરમાં હરાવ્યું હતું. ભારતીય મહિલા ટીમે અગાઉની બે સિઝનમાં પણ એએચએફ જુનિયર એશિયા કપની ટ્રોફી જીતી હતી.

આ વર્ષની શરૂઆતમાં નિમાયેલા કોચ ટિમ વ્હાઇટના માર્ગદર્શન હેઠળ ટીમે વ્યવસ્થિત ટ્રાનિંગ પ્રોગ્રામ મુજબ તૈયારી કરી હતી. તેનું સારું પરિણામ મળતા ટ્રોફીની હેટ્રિક પૂરી કરી હતી. હોકી ઇન્ડિયાએ જુનિયર એશિયા કપની મહિલા ટીમ માટે રોકડ પુરસ્કારોની જાહેરાત કરી છે. જે અંતર્ગત દરેક ખેલાડીને 3 લાખ રૂપિયા અને સપોર્ટ સ્ટાફના દરેક સભ્યને 1.5 લાખ રૂપિયા આપવામાં આવશે.

ભારત અને ચીન વચ્ચે શરૂઆતના ક્વાર્ટરમાં જોરદાર ટક્કર જોવા મળી હતી અને કોઈ ગોલ થઈ શક્યો ન હતો. 17મી મિનિટે સાનિકાએ ગોલ કરીને ટીમને 1-0ની સરસાઈ અપાવી હતી. જેને ટીમે છેક સુધી જાળવી રાખી હતી. જેનાથી યજમાન ટીમ દબાણમાં રહી અને સ્કોર કરી શકી નહીં. અંતે 1-0થી જીત મળી હતી. ભારતે ક્વાર્ટર ફાઇનલમાં પાકિસ્તાનને 19-0થી હરાવ્યા બાદ સાઉથ કોરિયાને 5-1થી હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક