• સોમવાર, 14 સપ્ટેમ્બર, 2026

વિઘ્નહર્તાના આગમનનું શુભ શુકન, સૌરાષ્ટ્રમાં મેઘરાજાની પધરામણી

એક માસના લાંબા વિરામ બાદ જૂનાગઢ, અમરેલી સહિત અનેક પંથકમાં વરસાદ; સૂકાતા પાકને જીવતદાન, ખેડૂતોમાં ખુશીની લહેર

(ફૂલછાબ ન્યુઝ)

રાજકોટ તા.13 બાપ્પાનું આગમન સૌરાષ્ટ્ર માટે જાણે વરસાદનું શુભ શુકન થયું હોય તેમ લાંબા વિરામ બાદ મેઘરાજાએ પધરામણી કરી છે. ગણેશજીની સ્થાપનાના પાવન પર્વે સૌરાષ્ટ્રના અનેક પંથકમાં મેઘમહેર થતાં ધરતીપુત્રોના ચહેરા ખીલી ઊઠયા છે. ઘોઘા 3.75, ભાવનગર-તળાજા-ભેસાણ-સાવરકુંડલા 2, જૂનાગઢ-વડિયા 1.5, વિસાવદર-માંગરોળ-મેંદરડા-બાબરા-પાલીતાણા-િસહોર 1, માળિયા હાટીના 0.5 ઈંચ વરસાદ નોંધાતા મુરઝાઈ રહેલા પાકને નવજીવન મળ્યું છે. ઉપરાંત રાજકોટ શહેરમાં પણ સવારથી ધીમી ધારે આખો દિવસ વરસાદ વરસ્યો હતો. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે બાપ્પાનું આગમન અને મેઘરાજાની મહેર સાચા અર્થમાં શુભ શુકન બની છે. ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસતાં સૂકાવા લાગેલી મોલાતોને જીવતદાન મળ્યું છે.

રાજ્યમાં આજે સવારે 6થી સાંજના 6 વાગ્યા સુધીમાં 200 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. વલસાડના કપરાડામાં સૌથી વધુ 3.35 ઈંચ અને બોટાદના બરવાળામાં 3.27 ઈંચ વરસાદ નોંધાયો હતો. રાજ્યના 47 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ પડ્યો હોવાનું જાણવા મળ્યું છે. લાંબા વિરામ બાદ કચ્છમાં પણ મેઘરાજાનું આગમન થયું હતું.

જૂનાગઢ સોરઠમાં જેની ચાતક નજરે રાહ જોવાતી હતી તે મેઘરાજાએ એક માસ બાદ આજે પુનઃ પધરામણી કરતા  ભેસાણમાં બે, જૂનાગઢમાં દોઢ,િવસાવદર અને મેંદરડામા એક એક ઇંચ, કેશોદ, માળિયામાં અડધો ઇંચ, માણાવદર વંથલી  ભારે ઝાપટા પડતા ધરતીપુત્રો સહિતના લોકોમાં નવો આશાનો સંચાર થયો છે. જિલ્લામાં વાવણી લાયક વરસાદ બાદ મેઘરાજાએ મોઢું ફેરવી લેતા છેલ્લા એક  માસથી વરસાદના અભાવે ખેતરોમાં લહેરાતી મોલાતો મુરજાવા લાગી હતી. અને ધરતીપુત્ર સહિતના જીવ અધ્ધરતાલ થઈ ગયા હતા.અને દુષ્કાળ ડોકિયું કરવા લાગ્યો હતો,દરમિયાનમાં આજે સવારથી હવામાનમાં પલટો આવ્યા બાદ એકાએક ધીમીધારે વરસાદ શરૂ થયો હતોતેમાં બપોરના સમયે મેઘરાજાએ સટાસટી બોલાવતા ભેસાણમાં બે ઇંચ, જૂનાગઢમાં દોઢ ઇંચ પાણી પડતા રસ્તાઓ ઉપર પૂરની  માફક પાણી વહેવા લાગ્યા હતા જ્યારે વિસાવદર, મેંદરડા અને માંગરોળમાં એક - એકકેશોદ માળીયામાં અડધો ઇંચ ,માણાવદર, વંથલી  ભારે ઝાપટા પડ્યા હતા. વરસાદથી મોલાતોને જીવતદાન મળ્યું છે. હજુ આકાશમાં વરસાદી વાતાવરણ હોય સારા વરસાદની આશા સેવાય રહી છે.

ભાવનગર શહેર તેમજ સમગ્ર જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ આખરે મેઘરાજાએ ગાજવીજ સાથે પધરામણી કરી છે. શનિવારે રાતથી શરૂ થયેલી મેઘમહેર રવિવારે સવાર સુધી ચાલુ રહી હતી, જેમાં જિલ્લાના વિવિધ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ ઘોઘા તાલુકામાં પોણા ચાર ઈંચ (82 મિ.મી.) અને ભાવનગર શહેરમાં બે ઈંચ (48 મિ.મી.) નોંધાયો છે. શનિવાર રાતથી રવિવાર સવાર સુધીમાં નોંધાયેલા વરસાદી આંકડા પર નજર કરીએ તો ઘોઘામાં 82 મિ.મી., ભાવનગરમાં 48 મિ.મી., તળાજામાં 41 મિ.મી. અને 14 મિ.મી., પાલીતાણામાં 32 મિ.મી., સિહોરમાં 30 મિ.મી., મહુવામાં 19 મિ.મી., ઉમરાળામાં 15 મિ.મી., ગારિયાધારમાં 14 મિ.મી. અને વલભીપુરમાં 6 મિ.મી. વરસાદ નોંધાયો છે. હજુ પણ વરસાદી માહોલ હોય તથા વરસાદની આગાહી હોય વરસાદ પડવાની પૂરી સંભાવના છે.

અમરેલી હવામાન વિભાગની આગાહીને પગલે ગઈકાલથી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ગઈકાલે મોડી રાતથી આજ સુધીમાં જિલ્લાના તમામ તાલુકા તથા ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. લાંબા વિરામ બાદ વરસેલા વરસાદથી મુરઝાતી મોલાતોને નવું જીવતદાન મળતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. લાઠી શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં મોડી રાતથી ધીમીધારે વરસાદનું આગમન થયું હતું. ધારી, દામનગર, સાવરકુંડલા, બાબરા, બગસરા સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં પણ આશાનું કિરણ જાગ્યું હતું. ખાસ કરીને બાબરા પંથકમાં મોડી રાતથી સવાર સુધી સતત ધીમીધારે વરસાદ વરસ્યો હતો. કપાસ, મગફળી અને સોયાબીન સહિતના પાક માટે હાલનો વરસાદ ઉપયોગી સાબિત થવાની આશા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. વરસાદના કારણે મુરઝાતી મોલાતોને ખાસ કરીને રાહત મળતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. અમરેલી શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. રાજુલા તાલુકાના વિકટર, માંડળ અને ડુંગર સહિતના ગામોમાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. ખાંભા-ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસતાં ખેડૂતોમાં રાહતની લાગણી જોવા મળી હતી. દરમિયાન વડિયા પંથકમાં સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ધોધમાર વરસાદનું આગમન થયું હતું. વડિયા શહેરમાં ધોધમાર વરસાદને પગલે રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા. પંથકમાં અંદાજે એક ઇંચ જેટલો વરસાદ ખાબકતાં લાંબા સમયથી વરસાદની વાટ જોઈ રહેલા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો. જાફરાબાદના લાઈટ હાઉસ ખાતે દરિયામાં ભારે પવન-મોજાંની શક્યતાને પગલે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.            

માળિયા હાટીનાઃ બે દિવસના સખત બફારા બાદ આજે માળીયા હાટીના, લાઠોદરા સહિત અનેક ગામડાઓમાં વરસાદ વરસ્યો છે. 70 દિવસના વિરામ બાદ વરસાદ શરૂ થતા ધરતીપુત્રો આનંદમાં આવી ગયા છે. મગફળી, ચણા, બાજરો, અડદ સહિત પાકને  જીવતદાન મળી ગયું છે.

બાબરાઃ પંથકમાં ગત મોડી રાત અને આજ દિવસ દરમ્યાન વાતાવરણમાં પલટો આવ્યા બાદ સામાન્ય વરસાદના છાટા રૂપે 20 મીમી જેટલો બપોર સુધીમાં વરસાદ નોંધાયો હતો.

સાવરકુંડલા તાલુકામાં ગઈકાલે રાત્રેથી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. તાલુકાના વિવિધ વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસતા અંદાજે બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો હોવાનું જાણવા મળ્યું છે. લાંબા સમય બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વરસાદના કારણે રસ્તાઓ ભીંજાઈ ગયા હતા તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી હતી. વરસાદથી ખેડૂતોમાં પણ રાહતની લાગણી જોવા મળી છે. ખાસ કરીને ખેતીના પાક માટે વરસાદ લાભદાયક સાબિત થવાની આશા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છવાયો હતો.

ધારી ધારી પંથકમાં પણ સવારથી ધીમીધારે વરસાદ વરસ્યો હતો. વરસાદના અભાવે મુરઝાઈ રહેલી મોલાતને પાણી મળતાં ખેડૂતોમાં ફરી આશા જાગી છે.

ધોરાજી લાંબા વિરામ બાદ આજે મેઘરાજાએ ફરી પધરામણી કરતા ખેડૂતોમાં રાહતની લાગણી જોવા મળી છે. વહેલી સવારથી ધોરાજી શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી વાતાવરણ છવાયું હતું અને ત્યારબાદ ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. ધોરાજી શહેર ઉપરાંત નાની પરબડી, જમનાવડ, વેગડી, તોરણીયા, ફેરણી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધીમીધારે વરસાદ વરસ્યો હતો. હાલ શરૂ થયેલા વરસાદથી મગફળી, એરંડા, સોયાબીન, તુવેર સહિતના ચોમાસુ પાકને ફાયદો થવાની આશા ખેડૂતોમાં જાગી છે.

બોટાદ શહેરમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. આકાશમાં વાદળો ઘેરાયા બાદ ગાજવીજ અને પવન સાથે વરસાદ શરૂ થતાં શહેરના અનેક વિસ્તારોમાં ઠંડક પ્રસરી હતી. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક છવાતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.

ગોંડલ વહેલી સવારે ઝાપટા વરસ્યા બાદ રાત્રિના આઠેક વાગ્યે ધીમીધારે વરસાદ વરસતા રસ્તાઓ ઉપર પાણી ભરાયા હતા અને અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો

ઇ-પેપરના નવા શુલ્ક