રાધનપુરમાં ટેન્કરને ટ્રેલરની ટક્કર, ડાંગમાં અધિકારીઓની કાર ખાપરી નદીમાં ખાબકી
અમારા
પ્રતિનિધિ તરફથી
અમદાવાદ,
તા. 10: રાજ્યમાં શનિવારે બે અલગ-અલગ માર્ગ અકસ્માતમાં ચાર લોકોનાં મૃત્યુ થતાં અરેરાટી
ફેલાઈ છે, જ્યારે બે લોકો ઘાયલ થયા છે. પાટણ જિલ્લાના રાધનપુર નજીક હાઈવે પર છોડને
પાણી છાંટી રહેલા ટેન્કરને ટ્રેલરે પાછળથી ટક્કર મારતાં બે વાહનચાલકનાં મૃત્યુ થયાં
હતાં. બીજી તરફ, ડાંગ જિલ્લાના આહવા-વઘઈ માર્ગ પર કાર રાલિંગ તોડીને ખાપરી નદીમાં ખાબકતાં
બે સરકારી કર્મચારીઓનાં મૃત્યુ થયાં હતાં. બંને બનાવોમાં પોલીસે તપાસ હાથ ધરી છે.
રાધનપુર-થરા
નેશનલ હાઈવે-27 પર સીનાડ ગામ નજીક નેશનલ હાઈવે ઓથોરિટીના ડિવાઈડર પર વાવેલા છોડને પાણી
છાંટવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન પૂરપાટ ઝડપે આવેલા ટ્રેલરે ટેન્કરને પાછળથી
જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં ટેન્કરચાલક કૈલાશ ચૌધરી જાટ અને ટ્રેલરચાલક મહેન્દ્ર
મીણાનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે વાલ્મિકી પિન્ટુભાઈને ઈજા થતાં સારવાર માટે પાટણની
ધારપુર મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવ્યા હતા.
બીજી
દુર્ઘટના ડાંગ જિલ્લાના આહવા-વઘઈ માર્ગ પર બની હતી. વહેલી સવારે આહવા તરફ જઈ રહેલી
કારના ચાલકે કાબૂ ગુમાવતાં કાર રાલિંગ તોડીને ખાપરી નદીમાં ખાબકી હતી. આ અકસ્માતમાં
ગાંધીનગરના નર્મદા કલ્પતરુ વિભાગમાં ફરજ બજાવતા અધિક કલેક્ટર સંદીપ ડામોર અને આરોગ્ય
કર્મચારી શૈલેશ ગરાસિયાનાં મૃત્યુ થયાં હતાં. કારમાં સવાર આણંદના નાયબ મામલતદાર સોનુ
બારિયા ઘાયલ થયા હતા. સ્થાનિક વ્યક્તિએ તેમને બચાવવામાં મદદ કરી હતી. ત્યારબાદ તેમને
સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. એક જ દિવસમાં બનેલા આ બે અકસ્માતોએ પરિવારોમાં
શોકની લાગણી ફેલાવી છે. પોલીસે બંને બનાવોમાં અકસ્માતનાં કારણો જાણવા વધુ તપાસ હાથ
ધરી છે.