અમરેલી, તા.10: અમરેલી નજીક આવેલા ઠેબી ડેમમાં ગત મોડી રાત્રે એક કાર પાણીમાં ખાબકતાં તંત્ર દોડતું થયું હતું. અંદાજે અડધો કલાક સુધી ચાલેલા સર્ચ ઓપરેશન દરમિયાન કારની અંદર તેમજ આસપાસના વિસ્તારમાંથી કોઈ વ્યક્તિ મળી આવી નહોતી. અમરેલી ફાયર કંટ્રોલરૂમ ખાતે ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી કે, ઠેબી ડેમના પાણીમાં એક કાર નં. જી.જે. 01 કે.વાય. 4267 ડૂબી ગઈ છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ અમરેલી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર રેસ્ક્યુ ટીમે પાણીમાં ડૂબેલી કારની અંદર તેમજ કારની આસપાસના વિસ્તારમાં અંદાજે અડધો કલાક સુધી સઘન શોધખોળ હાથ ધરી હતી. જોકે, કોઈ વ્યક્તિ મળી આવી નહોતી. દરમિયાન તાલુકા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ કારના માલિક પણ સ્થળ પર પહોંચ્યા હતા. કાર ક્યાં સંજોગોમાં ઠેબી ડેમના પાણીમાં ખાબકી હતી? તે અંગેનો ખુલાસો થયો નથી. સમગ્ર મામલે તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.