જૂની તકરારનો બદલો લેવા શ-20 કારને ટક્કર મારી હોવાનો ખુલાસો, રૂ. 6.30 લાખનો મુદ્દામાલ કબજે
(ફૂલછાબ ન્યુઝ)
જામનગર, તા.12: જામનગરમાં જૂની
તકરારના મનદુ:ખમાં થાર કારથી આઈ-20 કારને ટક્કર મારી યુવકની હત્યા કરવાના બનાવમાં સીટી
એ ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે. પોલીસે થાર કાર અને
બર્ગમેન સ્કૂટર સહિત રૂ. 6.30 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસ તપાસ મુજબ, ગત 29 સપ્ટેમ્બરે
થાર કાર જોવા બાબતે શબીર હુશેન હમીરાણી અને હાજી અયુબ ખફી વચ્ચે તકરાર થઈ હતી. આ અદાવતના
કારણે આરોપીઓએ બદલો લેવાનું કાવતરું ઘડયું હોવાનો ખુલાસો થયો છે.
ગત 10 ઓક્ટોબરે વહેલી સવારે શબીર
હુશેન અને અન્ય લોકો આઈ-20 કારમાં ગુલાબનગર તરફ જઈ રહ્યા હતા, ત્યારે આરોપીઓએ થાર કારથી
પીછો કરી ગુલાબનગર રોડ પર પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આઈ-20 કાર બસ સાથે અથડાતાં
અફઝલ રહીમભાઈ ચાવડાનું ગંભીર ઈજાઓથી મોત નીપજ્યું હતું. આરોપીઓ હાજી અયુબભાઈ ખફી (ઉં.વ.
28), ઇમ્તિયાઝ ઇકબાલભાઈ ખફી (ઉં.વ. 35) અને ખલીલ ઉર્ફે બાઠીયો ઇસ્માઇલભાઈ કોરાની ધરપકડ
કરવામાં આવી છે. સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસે આ કાર્યવાહી કરી હતી.
પોલીસના જણાવ્યા મુજબ, મુખ્ય આરોપી સામે અગાઉ 16થી વધુ ગુનાઓ નોંધાયેલા છે.