ગલીસેમરો ગામે મકાઈ-જુવારનાં ખેતરમાં ગાંજાના 169 છોડ મળ્યા ઃ રૂ.43.12 લાખનો મુદ્દામાલ કબજે, એક આરોપી ઝડપાયો
મોડાસા,
તા.11 ઃ અરવલ્લી જિલ્લાના શામળાજી નજીક ગલીસેમરો ગામે પોલીસે ગાંજાના ગેરકાયદે વાવેતર
સામે મોટી કાર્યવાહી કરી છે. મકાઈ અને જુવારના પાક વચ્ચે ઉગાડેલા ગાંજાના 169 લીલા
છોડ મળી આવતા પોલીસે એક શખસની ધરપકડ કરી છે. જપ્ત કરાયેલા ગાંજાના છોડનું વજન
86.250 કિલો અને કિંમત રૂ.43,12,500 હોવાનું જાણવા મળ્યું છે.
ગલીસેમરો
ગામના ડામોર ફળિયામાં રહેતા અનિલભાઈ મરતાભાઈ ડામોર (ઉં.વ.36)ના કબજાવાળાં ખેતરમાંથી
ગાંજાના છોડ મળી આવ્યા હતા. તપાસ દરમિયાન નમૂનાઓની ચકાસણી કરતાં છોડ ગાંજાના હોવાનું
સામે આવ્યું હતું.
જિલ્લા
પોલીસ અધિક્ષક મનોહરાસિંહ એન. જાડેજાનાં માર્ગદર્શન હેઠળ માદક પદાર્થ વિરોધી શાખાના
ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જી.આર. શર્મા અને વિશેષ કામગીરી જૂથના પોલીસ સબ ઇન્સ્પેક્ટર
એ.એચ. રાઠોડની ટીમે બાતમીના આધારે પંચો, નિષ્ણાત અધિકારી અને ચિત્રણકારની હાજરીમાં
કાર્યવાહી કરી હતી. પોલીસે ગાંજાના છોડ કબજે કરી શામળાજી પોલીસ મથકે માદક પદાર્થ પ્રતિબંધક
કાયદા હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.