સમાધાન કરવા દબાણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હુમલો; કારમાં તોડફોડ કરી પથ્થરમારો અને ધારિયાથી હુમલો કરનાર સાતેય આરોપીઓ પોલીસના સકંજામાં
મોરબી, તા.2: મોરબી તાલુકાના
જૂની ટીંબડી ગામના પાટિયા નજીક પૈસાની લેતીદેતી મામલે થયેલી બોલાચાલીએ લોહિયાળ સ્વરૂપ
ધારણ કર્યું હતું. ટ્રકની ભાગીદારીના નાણાકીય વિવાદમાં સમાધાન કરવા દબાણ કરી સાત શખસોએ
પરિવાર પર હુમલો કર્યો હતો. જેમાં પિતાનું ગંભીર ઈજાઓના કારણે મ્તૃયુ નીપજ્યું હતું,
જ્યારે પુત્રને પણ ઈજાઓ પહોંચી હતી. આ બનાવમાં મોરબી તાલુકા પોલીસે સાતેય આરોપીઓને
ઝડપી લીધા છે.
મળતી માહિતી મુજબ, જૂની ટીંબડી
ગામના જીજ્ઞેશભાઈ ખોડાભાઈ મુલાડિયાએ ભાવેશ બારૈયા, હિતેશ જંજવાડિયા, સુરેશભાઈ, વિનોદ
બારૈયા, ભરત બારૈયા, દશરથ બારૈયા અને હિરેન જંજવાડિયા સહિત સાત શખસ વિરુદ્ધ ફરિયાદ
નોંધાવી છે. ગત તા. 1ના રોજ સાંજે ફરિયાદી પોતાના કૌટુંબિક મામાના દીકરા અનિલ બારૈયા
અને મિત્ર જીવણ ધંધુકિયા સાથે ટીંબડી પાટિયા તરફ જઈ રહ્યા હતા. દરમિયાન આરોપીઓએ સ્વિફ્ટ
અને સ્કોર્પિયો કારમાં આવી તેમની કાર રોકી હતી અને અનિલને પૈસાની લેતીદેતી મામલે હિરેન
સાથે સમાધાન કરી લેવા જણાવ્યું હતું. ફરિયાદીએ આ બાબતમાં પોતે વચ્ચે ન હોવાનું કહેતા
આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળો આપી મારામારી શરૂ કરી હતી. આરોપીઓએ પથ્થરમારો કરી
નેક્સોન કારના કાચ તોડી નાખ્યા હતા, જેમાં રવિભાઈને નાકના ભાગે ઈજા થઈ હતી. ત્યારબાદ
ફરિયાદી પર ધારિયા અને ધોકા વડે હુમલો કર્યો હતો. પિતા ખોડાભાઈ પુત્રને બચાવવા વચ્ચે
પડતા તેમના કપાળના ભાગે ધારિયાનો ઘા મારવામાં આવ્યો હતો. ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયેલા
ખોડાભાઈનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. ટ્રકની ભાગીદારીમાંથી અનિલ છૂટો પડતાં
નાણાકીય બાબતે ચાલતા મનદુ:ખના કારણે આ હુમલો થયાનું ફરિયાદમાં જણાવાયું છે. પોલીસે
હત્યા સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી તમામ સાત આરોપીઓને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી
છે.