• મંગળવાર, 03 નવેમ્બર, 2026

જામ ખંભાળિયામાં પાનકાર્ડ મફતમાં બનાવી આપવાની લાલચ આપી 36 લાખની છેતરાપિંડી

9 ડમી બેંક ખાતા મારફતે નાણાકીય હેરાફેરીનો પર્દાફાશ : સાયબર ક્રાઇમ પોલીસે બે મુખ્ય આરોપીઓને ઝડપી પડયા

જામ ખંભાળિયા, તા.2: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા તાલુકામાં મફતમાં પાનકાર્ડ બનાવી આપવાની લાલચ આપી લોકોના આધારકાર્ડ સહિતના દસ્તાવેજો મેળવી તેમના નામે ડમી બેંક ખાતાં ખોલાવી રૂ.36 લાખના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો કરવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ મામલે દેવભૂમિ દ્વારકા સાયબર ક્રાઇમ પોલીસે બે આરોપીઓને ઝડપી પાડયા છે.

પોલીસમાં મળતી માહિતી મુજબ, ખંભાળિયા તાલુકાના ભરાણા ગામના એક અરજદાર સહિત કુલ નવ વ્યક્તિઓને ઇન્કમટેક્સ રિટર્ન ભરાવવા માટે ફાઇલ તૈયાર કરાવતી વખતે રાજકોટની કરૂર વૈશ્ય બેંકમાં તેમના નામે બેંક ખાતાં હોવાની જાણ થઈ હતી.

તપાસ કરતાં આ ખાતાં તેમની જાણ બહાર ખોટા દસ્તાવેજો અને નકલી સહીઓના આધારે ખોલાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. આ અંગે સાયબર ક્રાઇમ પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. જિલ્લા પોલીસ વડા જયરાજાસિંહ વાળા તથા એએસપી પ્રખરકુમારના માર્ગદર્શન હેઠળ પીઆઇ ઋષિતાસિંહ રાઠોડની ટીમે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મુખ્ય સૂત્રધાર અશોકપરી દયાલપરી ગોસ્વામી અને ચેતનભારથી કેશુરભારથી ગોસાઈને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે બંનેના પાંચ દિવસના રિમાન્ડ મેળવી અન્ય ડમી ખાતાં અને નાણાકીય વ્યવહારો અંગે વધુ તપાસ હાથ ધરી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક