• મંગળવાર, 03 નવેમ્બર, 2026

ખરીફ પાક નિષ્ફળ, શિયાળુ વાવણી અધ્ધરતાલ : ખેડૂતોનો મદદનો પોકાર

ચાર દુષ્કાળગ્રસ્ત જિલ્લામાં સહાયની રકમ અપૂરતી, ઘાસચારાના ડેપોની સંખ્યા વધારવા તથા સિંચાઇના પાણીની વ્યવસ્થા માટે માગ

(ફૂલછાબ ન્યૂઝ)

જૂનાગઢ, ધોરાજી, જામખંભાળિયા, દ્વારકા,તા.2: સૌરાષ્ટ્રમાં દુષ્કાળને લીધે ખેડૂતોની સ્થિતિ પ્રતિદિન વણસી રહી છે. ખરીફ પાક નિષ્ફળ ગયા છે, એવામાં સરકારી સહાય અપૂરતી જાહેર થઇ છે. હવે શિયાળુ પાકના વાવેતરનો સમય પાકી ગયો છે ત્યારે પાણીની તંગી છે. શિયાળુ પાક લઇ શકાય એવું વાતાવરણ પણ નથી. સખત ગરમીને લીધે ઢોરનો નિભાવ ખર્ચ વધી રહ્યો છે. ઘાસચારાની અછત છે ત્યારે સરકાર નાણાકિય સહાય ઉપરાંત પાણીનો પુરવઠો પણ પહોંચાડે તેવી માગ ખેડૂત વર્ગમાં ચોમેરથી ઉઠી રહી છે.

દુષ્કાળની સ્થિતિમાં ખેડૂતોને અત્યારે કુદરતો સાથ નથી પણ સરકાર મદદે આવે તે માટે ઠેર ઠેર ખેડૂત સંગઠનો અને વિરોધ પક્ષો દ્વારા શાસકોને સતત ઢંઢોળવામાં આવી રહ્યા છે. આમ આદમી પાર્ટી અને ખેડૂત સમુહોએ સોમવારે પોતપોતાના તાલુકા કે જિલ્લા કક્ષાએ રજૂઆતોનો દોર ચલાવ્યો હતો. ખેડૂતોની મુખ્ય માગ સહાય રકમમાં વધારો, દેવામાફી, સિંચાઇ માટે પાણીની વ્યવસ્થા તથા ઘાસચારાના ડેપોની સંખ્યા વધારવાને માટે થઇ રહી છે.

ધોરાજીમાં ખેડૂતોને પડ્યા પર પાટું

દુષ્કાળ સહાયના નામે ખેડૂતો સાથે મજાક થઇ ગઇ છે એમાં કુદરતે ખેડૂતોને કમોસમી વરસાદના નામે વધારે ફટકો માર્યો છે. ધોરાજી ક્ષેત્રના ખેડૂતો જિલ્લાના ખેડૂત આગેવાન જે.ડી બાલધા, જીતુભાઈ વઘાસિયા, રમેશભાઈ વૈષ્ણવ તેમજ મહિલા ખેડૂત ચંપાબેન પટેલ એ કહ્યું કે, સરકારે ખેડૂતોની સ્થિતિ વિષે ગંભીરતાથી વિચારણા કરવી જોઇએ.

જિલ્લા સહકારી અગ્રણી જે ડી બાલધા એ જણાવેલ કે કમોસમી વરસાદને કારણે કપાસ, મગફળી, સોયાબીન, એરંડા અને ડુંગળી સહિતના પાકને વરસાદથી નુકસાન થયું છે. અગાઉ વરસાદ ખેંચાતા ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની ભીતિ હતી, તો બીજી તરફ મહામહેનતે બચાવેલો પાક હવે કમોસમી વરસાદની ઝપેટમાં આવ્યો છે. સરકાર તાત્કાલિક સર્વે કરાવી ખેડૂતોને નુકસાનનું વળતર ચૂકવે તેવી  માગણી કરી હતી. જ્યારે  જીતુભાઈ વઘાસીયાએ જણાવેલું કે ધોરાજી પંથકમાં કમોસમી વરસાદે ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું છે. ખેતરોમાં તૈયાર થઈ ગયેલો પાક પલળી ગયો છે. કપાસ, મગફળી, સોયાબીન, એરંડા અને ડુંગળી જેવા પાકોમાં નુકસાન થવાની ભીતિ છે. તૈયાર પાક પલળી ગયો છે.સરકારે માત્ર ચાર જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરીને ગુજરાત અને સૌરાષ્ટ્ર સામે સરકારે અન્યાય કર્યો છે ગુજરાતના પડોશી રાજ્ય મહારાષ્ટ્ર જ્યાં ભાજપનું રાજ છે ત્યાં પણ ખેડૂતોના દેવા માફ કર્યા છે.

મહિલા ખેડૂત અગ્રણી ચંપાબેન પટેલ એ જણાવે છેકે હવે પાક તૈયાર થવાના સમયે જ કમોસમી વરસાદ વરસતા ખેડૂતોની આશા પર ફરી પાણી ફરી વળ્યું છે. ધોરાજીના ખેડૂત રમેશભાઈ વૈષ્ણવે કહ્યું કે, કેટલાક જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા છે, પરંતુ રાજકોટ જિલ્લાનો તેમાં સમાવેશ ન થતાં ખેડૂતોમાં અગાઉથી જ ચિંતા હતી હવે કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કર્યો છે.

ત્યારે સવાલ એ છે કે કુદરતી આફતો સામે ઝઝૂમી રહેલા ધોરાજીના ખેડૂતોને સરકાર ક્યારે સહાયનો હાથ આપશે? ખેડૂતોની નુકસાનીનો તાત્કાલિક સર્વે કરી યોગ્ય વળતર ચૂકવવામાં આવશે કે પછી ખેડૂતોને વધુ એક વખત મુશ્કેલીનો સામનો કરવો પડશે?

સોરઠને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડૂતોના દેવા માફ કરો

જુનાગઢ જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં અપૂરતા વરસાદને કારણે ખરીફ પાક નિષ્ફળ જતા જિલ્લામાં દુષ્કાળ જાહેર કરી ખેડૂતોના દેવા માફ કરવા અને સૌની યોજના નું પાણી આપવા આમ આદમી પાર્ટીએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી માંગણી કરી હતી. આમ આદમી પાર્ટીના સૌરાષ્ટ્રના પ્રમુખ રાજુભાઈ બોરખતરીયા ની આગેવાની હેઠળ જિલ્લાના કાર્યકરો એ જિલ્લા કલેકટરને એક આવેદનપત્ર પાઠવી જુનાગઢ જિલ્લામાં અછતની સ્થિતિ હોય તેથી દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા તેમજ ખેડૂતોના દેવા માફ કરવા અને પાક સહાયની રકમ વધારવા તથા સૌની યોજના નું પાણી પૂરું પાડવા ની માગણી કરી હતી.

દ્વારકા : ખેડૂતોનું દેવું માફ કરો, વળતરની રકમ વધારો

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદની અછત અને વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખેડૂતોના પ્રશ્નો અને માંગણીઓ અંગે આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતુ. એમાં કહેવાયું છેકે, ખેડૂતો હાલ ભારે દેવાબોજ, પાણીની તંગી અને ઘાસચારાની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. બે હેક્ટરની મર્યાદા હટાવીને જેટલી જમીન હોય તેટલું એટલે કે રૂ. 17 હજાર કરતા વધારે વળતર આપવું જોઇએ. ખેડૂતોનું દેવુ માફ કરવું જોઇએ. શિયાળુ પાક માટે સિંચાઇનું પાણી પણ પૂરું પાડવું જોઇએ. બે-ત્રણ ગામ વચ્ચે ઘાસના ડેપો શરૂ કરી પશુઓ માટે પૂરતું ઘાસ ઉપલબ્ધ કરાવવા તેમજ ભાગિયાઓ, ખેતમજૂરો અને પશુપાલકો માટે વિશેષ આર્થિક પેકેજ જાહેર કરવા રજૂઆત કરાઈ છે. જો સરકાર દ્વારા આ મામલે વહેલી તકે ફેરવિચારણા કરી યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી સમયમાં ખેડૂતોને સાથે રાખીને લોકશાહી ઢબે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આમ આદમી પાર્ટી દ્વારા ઉચ્ચારવામાં આવી છે.

દ્વારકા જિલ્લાના જામકલ્યાણપુર તાલુકામાં દુષ્કાળને લીધે મુશ્કેલીનો પાર રહ્યો નથી ત્યારે તાલુકાના 62 જેટલા ગામના સરપંચોએ એકજૂથ થઇને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતુ.

દ્વારકામાં પ્રવાસીઓના આગમન પૂર્વે પાણીની વ્યાપક અછત

દિવાળીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે યાત્રાધામ દ્વારકામાં લાખો દર્શનાર્થીઓ તથા પર્યટકો આવાનું શરૂ થઇ ગયું છે. જગતમંદિર ઉપરાંત નાગેશ્વર, ગોપી તળાવ, બેટ દવારકા સહિતના સ્થળોએ ઉમટી પડે તેવી શક્યતા છે ત્યારે યાત્રાધામમાં પાણીની સમસ્યા વકરી રહી છે. ઓછાં વરસાદને લીધે મુશ્કેલી છે એવામાં ભીમગજા તળાવમાં ફક્ત એકાદ પખવાડિયું ચાલુ તેટલું જ પાણી છે ત્યારે સરકારે આગોતરું આયોજન પાણી માટે કરવું જરુરી બન્યું છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક