• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

ભારતની કૂટનીતિક જીત : ગલવાનથી પાછું ફર્યું ચીની સૈન્ય

સરહદે શાંતિનો રાગ : પશ્ચિમ ક્ષેત્રમાં 4 સ્થળેથી વાપસીનું એલાન, ભારત સાથે સહયોગથી કામ કરવા ઈચ્છુક ડ્રેગન સરકાર

નવી દિલ્હી, તા.14 : ચીન સામે ભારતની કૂટનીતિ રંગ લાવી છે. ચીની સૈન્યએ અંતે લાંબા સમય બાદ ગલવાન ઘાટી ખાલી કરી નાખી છે. સાથે ચીન સરકારને ડહાપણની દાઢ ફૂટી અને કહ્યું કે, બન્ને દેશ એકબીજાનું શોષણ કરવાથી બચે અને સાથે મળી કામ કરે તેવો રાગ આલાપ્યો છે ! ચાર વર્ષના લાંબા સમયગાળા બાદ ચીની સૈન્યએ અગ્રીમ મોરચેથી વાપસી કરી છે.

ચીની વિદેશ મંત્રાલયે પૂર્વ લદ્દાખમાં ગલવાન ઘાટી સહિત 4 સ્થળેથી ચીની સૈનિકોની વાપસીનો ઉલ્લેખ કરી કહ્યંy કે રશિયામાં પોતાની બેઠક દરમિયાન ભારત અને ચીને દ્વિપક્ષીય સંબંધોમાં સુધાર માટે સાથે મળીને કામ કરવા સહમતિ દર્શાવી હતી. ચીનના વિદેશ મંત્રાલયે પ્રેસ રિલીઝ જારી કરી કહ્યું કે, ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ ગત ગુરુવારે રશિયાના સેન્ટ પીટ્સબર્ગ ખાતે બ્રિકસ સદસ્ય દેશોમાં સુરક્ષા મામલે જવાબદાર ઉચ્ચસ્તરીય અધિકારીઓની બેઠક સિવાય વાતચીત કરી હતી. દરમિયાન બન્ને પક્ષે સરહદ મુદ્દે તાજેતરની વાટાઘાટોમાં થયેલી પ્રગતિની ચર્ચા કરી હતી.

ભારત અને ચીન વચ્ચે છેલ્લાં 4 વર્ષથી સરહદ વિવાદ ચાલી રહ્યો હતો અને શું આ વિવાદ ઉકેલાઈ ગયો છે ? તેવો સવાલ પૂછાતાં ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગ એ સ્પષ્ટતા કરી કે બન્ને સૈન્યએ પશ્ચિમનાં ચાર ક્ષેત્રમાંથી વાપસી કરી છે અને સરહદ પર હાલત સિથર અને નિયંત્રણમાં છે. ચીનનું સૈન્ય જ્યાંથી પાછું હઠયું છે તેમાં ગલવાન ઘાટી પણ સામેલ છે. વિદેશ મંત્રી વાંગ યી એ આશા વ્યક્ત કરી છે કે બન્ને દેશ વ્યવહારિક દૃષ્ટિકોણથી પોતાના મતભેદોને યોગ્ય રીતે સંભાળશે અને એકબીજા સાથે મળીને કામ કરવા યોગ્ય રીત અપનાવશે. બન્નેએ એકબીજાની સ્વતંત્રતા પર કાયમ રહેવું જોઈએ અને એકબીજાનું શોષણ કરવાથી બચવું જોઈએ.

 

ઇ-પેપરના નવા શુલ્ક