• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

આતિશી, સુનિતા કે સૌરભ ? મુખ્યમંત્રી પદની રેસમાં ત્રણ નામ

કેજરીવાલની ગૂડ બુક્સમાં રહેલાં આતિશીનું નામ સૌથી વધારે ચર્ચામાં

 

નવી દિલ્હી, તા. 15 : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બે દિવસ બાદ સીએમ પદેથી રાજીનામાનું એલાન કરી દીધું છે. આ ઘોષણા સાથે કેજરીવાલે વિપક્ષને ચોંકાવી દીધો છે. કેજરીવાલે મંચ ઉપરથી કહ્યું હતું કે, હવે તેઓ ત્યાં સુધી સીએમની ખુરશી ઉપર નહી બેસે જ્યાં સુધી જનતા પોતાનો ફેંસલો ન બતાવે અને જનતા નક્કી કરશે કે તે કેજરીવાલને ઈમાનદાર માને છે કે નહીં. કેજરીવાલનાં રાજીનામા સાથે સવાલ ઉઠી રહ્યો છે કે સીએમ પદની ખુરશી કોણ સંભાળશે. માનવામાં આવે છે કે બે દિવસ બાદ થનારી પક્ષની બેઠકમાં આતિશી, સૌરભ ભારદ્વાજ અથવા તો સુનિતા કેજરીવાલમાંથી કોઈ એક નામ ઉપર સહમતી બનશે.

આતિશી : વર્તમાન સમયે આતિશી દિલ્હીમાં શિક્ષા, મહિલા અને બાળ કલ્યાણ, સંસ્કૃતિ, પર્યટન અને લોક નિર્માણ વિભાગનાં મંત્રી છે અને કેજરીવાલને આતિશી ઉપર ખૂબ જ ભરોસો છે. આ સાથે આતિશી પાસે પાણી, પીડબલ્યુ મંત્રાલય પણ છે. આતિશી અરવિંદ કેજરીવાલની ગૂડ બૂક્સમાં છે. જેનાં કારણે આતિશીનું નામ સામે આવી રહ્યું છે.

સૌરભ ભારદ્વાજ : સૌરભ ભારદ્વાજ દિલ્હી વિધાનસભામાં ગ્રેટર કૈલાશ ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ 9 માર્ચ, 2023થી દિલ્હી જળ બોર્ડના અધ્યક્ષ અને સ્વાસ્થ્ય, શહેરી વિકાસ અને જળ મંત્રી હતા. 8 ઓગસ્ટ, 2023ના પદ છીનવી લેવામાં આવ્યું હતું અને જવાબદારી આતિશીને મળી હતી. આ સાથે જ સૌરભ ભારદ્વાજ આપના મુખ્ય રાષ્ટ્રીય પ્રવક્તા પણ છે. માનવામાં આવે છે કે સૌરભ અથવા આતિશીમાંથી કોઈ એક સીએમ પદ સંભાળશે.

સુનિતા કેજરીવાલ : અરવિંદ કેજરીવાલનાં પત્ની સુનિતા કેજરીવાલનું નામ પણ સામે આવી રહ્યું છે પણ માનવામાં આવે છે કે હવે અરવિંદ કેજરીવાલ જેલમાંથી બહાર આવ્યા બાદ સુનિતા કેજરીવાલ ફરી એક વખત રાજનીતિમાંથી પાછળ હટવાના છે. તેમજ કેજરીવાલ જ ફ્રન્ટ ફૂટ ઉપર રહેશે. આમ તો સુનિતા કેજરીવાલનું નામ સીએમ પદની રેસમાં છે પણ તેઓ સીએમ બને તેવી તક ખૂબ જ ઓછી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક